અમરેલી : પોલીસકર્મી રાજેશ્રી વાળાના સમર્થનમાં એકત્ર થયો કાઠી ક્ષત્રિય સમાજ, જાણો શું છે મામલો
અમરેલી જિલ્લાના બાબરા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી રાજેશ્રી વાળાએ પોલી

અમરેલી જિલ્લાના બાબરા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી રાજેશ્રી વાળાએ પોલીસ સ્ટેશનમાં જ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરતા પહેલા રાજેશ્રી વાળાએ એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. તો આજે રાજેશ્રી વાળાના સમર્થનમાં અમરેલીમાં કાઠી ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો.
રાજેશ્રી વાળાએ પોલીસ સ્ટેશનમાં ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામે દલિત યુવકને માર મારવાના કેસમાં બાબરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજેશ્રી વાળાની અટકાયત કરવામાં આવી હતી. દલિત સમાજ દ્વારા કોન્સ્ટેબલ રાજેશ્રી વાળા સામે ગુન્હો નોંધાવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજેશ્રી વાળાએ પોલીસ સ્ટેશનમાં જ સ્યુસાઇડ નોટ લખીને ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજેશ્રી વાળાને સારવાર માટે તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મેં કોઈ ગુનો કર્યો નથી, મારા પર ખોટા આરોપ, આ બધુ હવે મારાથી સહન નથી થતું - રાજેશ્રી વાળા
રાજેશ્રી વાળાની સ્યુસાઈડ નોટમાં તેમણે લખ્યું હતું, “મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. કોઈ કારણ વિના મારી બદનામી કરવામાં આવી રહી છે. મેં કોઈ ગુનો ન કર્યો હોવા છતાં 4 દિવસ સુધી મારી અટકાયત કરીને મને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. આ બધુ હવે મારાથી સહન ન થતું હોવાથી હું જીવન ટૂંકાવું છે. મારો સમાજ અને સરકાર મને ન્યાય અપાવે.”
રાજેશ્રી વાળાએ પોલીસ વિભાગના ત્રાસથી ભર્યું અંતિમ પગલું
બાબરા તાલુકાના નીલવડા ગામમાં દલિત યુવકને માર મારવા સંદર્ભે રાજેશ્રી વાળાને ત્રાસ આપવામાં આવતો હતો. આ દલિત યુવકને માર મારનાર રાજેશ્રી વાળાનો ભાઈ થતો હોવાથી પોલીસ વિભાગ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હોવાથી તેમણે અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
રાજેશ્રી વાળાના સમર્થનમાં અમરેલી ખાતે એકઠો થયો કાઠી ક્ષત્રિય સમાજ
રાજેશ્રી વાળાના સમર્થનમાં અમરેલી ખાતે કાઠી ક્ષત્રિય એકઠો થયો થયો હતો. રાજેશ્રી વાળા નિર્દોષ હોવાનું જણાવી કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અમરેલી કલેકટર અને SPને અવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ રાજેશ્રી વાળાને ન્યાય આપવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી. કાઠી ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં એકઠો થતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન સહિત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. આગામી દિવસોમાં આ મામલે ઘેરાપ્રત્યાઘાતો પડી શકે છે.








