VIDEO: જૂનાગઢ ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ: MLA લાડાણી અને હરેશ ઠુંમર વચ્ચે જંગ, પાર્ટી માટે ખતરાની ઘંટી!
VIDEO: ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપમાં શિસ્તના દાવાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લામાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર વચ્ચેનો ખટરાગ હવે જાહેરમાં આવ્યો છે. આ વિખવાદને કારણે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપવાની ફરજ પડી હોવાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે.
ગ્રાન્ટ અને બેઠક મુદ્દે ગરમાયું રાજકારણ
મળતી માહિતી મુજબ, આયોજનની બેઠક બોલાવવા મુદ્દે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. નિયમ મુજબ માર્ચ મહિના પહેલા આયોજનની મીટિંગ બોલાવવાની હોય છે, પરંતુ ધારાસભ્ય લાડાણી એપ્રિલ મહિનામાં બેઠક બોલાવવા દબાણ કરી રહ્યા હોવાના આક્ષેપો થયા છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય તેમને ગ્રાન્ટ ફાળવવામાં અન્યાય કરી રહ્યા છે. એક વાયરલ ઓડિયોમાં તાલુકા પંચાયત પ્રમુખ ધારાસભ્યને રડતા-રડતા 35 લાખની ગ્રાન્ટ માટે આજીજી કરતા સંભળાય છે, જેમાં તેઓ કહે છે કે 'જો રકમ આપો તો જ મીટિંગ કરવી છે, બાકી રામ રામ.'
જ્ઞાતિવાદ અને રાજીનામું
મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેઓ એક ચોક્કસ જ્ઞાતિમાંથી આવે છે, તેથી તેમનું કંઈ ચાલતું નથી. આ માનસિક દબાણને કારણે તેમણે પોતાની મુદત પૂરી થવાના બે દિવસ પહેલા જ રાજીનામું ધરી દીધું છે. આ સાથે જ તેમણે ભાજપના આગેવાન વિનુભાઈ રાજાણી અને ચિરાગ રાજાણી સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
પાર્ટી માટે ખતરાની ઘંટી
બીજી તરફ, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરે આ સમગ્ર ઘટનાને શરમજનક ગણાવી છે. તેમણે ધારાસભ્ય લાડાણી પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટીમાં એકબીજાની અવગણના કરવી એ સંગઠન માટે ખતરાની ઘંટી છે. ધારાસભ્ય અને પંચાયત પ્રમુખ વચ્ચેની આવી વાતચીત ભાજપની છબી ખરડાવી રહી છે. આ સમગ્ર મામલે હવે હાઈકમાન્ડ સુધી રજૂઆત કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

