જળસંકટને લીધે એક જ દિવસમાં લીલી પરિક્રમા પૂર્ણ કરવાના મૂડમાં શ્રદ્ધાળુઓ, ચાર દિવસના રોકાણનું છે વિશેષ મહત્વ

લીલી પરિક્રમા પર આ વર્ષે જળસંકટનું ઘેરૂ ગ્રહણ જોવા મળી રહ્યું છે. પરંપરાગત રીતે ચાર દિવસ સુધી જંગલના કુદરતી સાનિધ્યમાં રોકાણ કરીને પૂર્ણ થતી આ પાવન યાત્રા આ વખતે પાણીની તીવ્ર તંગીના કારણે પરિક્રમાર્થીઓ રૂટ પર રોકાણ કરવાને બદલે તાત્કાલિક પરિક્રમા પૂર્ણ કરી બહાર નીકળી જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
પરિક્રમામાં ચાર દિવસના રોકાણનું વિશેષ મહત્વ
શાસ્ત્રોક્ત અને પરંપરાગત રીતે પરિક્રમામાં ચાર દિવસના રોકાણનું વિશેષ મહત્વ હોય છે. જોકે, બદલાતા સમય સાથે છેલ્લા કેટલાક વર્ષોથી મોટાભાગના યાત્રિકો 1થી 2 દિવસમાં જ પરિક્રમા પૂર્ણ કરી બહાર નીકળી જતા હોય છે, જ્યારે પ્રકૃતિપ્રેમી અને શ્રદ્ધાળુ યાત્રિકો 2થી 3 દિવસ સુધી જંગલમાં રોકાઈને પરિક્રમાનો આનંદ માણતા હોય છે.
જળ સંકટના ગ્રહણથી ફક્ત પીવાના પાણી પૂરતી જ વ્યવ્સ્થા સિમિત
પરંતુ આ વખતે જળસ્ત્રોતો ખાલીખમ હોવાથી રાત્રિ રોકાણ કરનારા યાત્રિકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાશે. દર વર્ષે પરિક્રમાના રૂટ પર આવતા ઝરણાં, વોંકળા અને નદી-નાળાં ચોમાસાના પાણીથી છલોછલ ભરેલા હોય છે, જેના કારણે યાત્રિકોને નહાવા, ધોવા અને રસોઈ બનાવવા માટે પૂરતું પાણી મળી રહેતું હતું. જોકે આ વર્ષે વરસાદ ખેંચાવા કે જળસ્તર નીચા જવાના કારણે પરિક્રમા રૂટના તમામ કુદરતી નદી-નાળાં સંપૂર્ણપણે ખાલીખમ ભાસી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર પાણીની જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, તે માત્ર બોર આધારિત અને ફક્ત પીવાના પાણી પૂરતી જ સીમિત રાખવામાં આવી છે.
પાણીના લીધે એક દિવસમાં જ પરિક્રમા પૂર્ણ કરવાનો લોકો મૂડ
જંગલ વિસ્તારમાં રાત્રિ રોકાણ કરવા માટે પીવાના પાણી ઉપરાંત ન્હાવા-ધોવા અને શૌચક્રિયા માટે પણી અનિવાર્ય હોય છે. તંત્ર દ્વારા વપરાશના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવી હોવાથી યાત્રિકો માટે જંગલમાં રોકાવું મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત, પાણીના અભાવે અન્નક્ષેત્રો અને ઉતારા મંડળોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે. પરિણામે ભક્તિભાવ સાથે ગિરનારની પરિક્રમા કરવા આવતા લાખો ભાવિકો આ વર્ષે પડાવ નાખીને રોકાવાના બદલે વહેલી તકે પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરવાના મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.










