પત્રકાર મહેશ લાંગાની EDએ કરી ધરપકડ, 4 દિવસ રિમાન્ડ મંજૂર
EDએ પત્રકાર મહેશ પ્રભુદાન લાંગા અને અન્ય લોકોના કેસમાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ મહેશ પ્રભુદાન

EDએ પત્રકાર મહેશ પ્રભુદાન લાંગા અને અન્ય લોકોના કેસમાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ મહેશ પ્રભુદાન લંગાની ધરપકડ કરી છે. મહેશ પ્રભુદાન લંગાને અમદાવાદની મિર્ઝાપુર કોર્ટના માનનીય સ્પેશિયલ જજ (PMLA) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હત. કોર્ટે 28/02/2025 સુધી 04 દિવસ માટે ED કસ્ટડી મંજૂર કરી છે.
EDએ કેમ કરી ધરપકડ
પત્રકાર મહેશ પ્રભુદાન લાંગા પર શેલ કંપનીઓ બનાવી હવાલાથી રૂપિયાની હેરફેરનો આરોપ છે. જેને લઈને અમદાવાદ અને રાજકોટ પોલીસ દ્વારા મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી છે. મહેશ લાંગા લાંબા સમયથી જેલમાં જ છે. ત્યારે હવે મની લોન્ડ્રીંગના આરોપ અંતર્ગત ED અમદાવાદે મહેશ કાંગની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.
220થી વધુ નકલી કંપનીઓ બનાવી GST કૌભાંડ આચર્યું
GST ફ્રોડ કેસમાં 7 ઓક્ટોબરના રોજ મહેશ લાંગા અને અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં પત્રકાર મહેશ લાંગાના ઘરેથી 20 લાખ રોકડ અને કિંમતી દસ્તાવેજો મળ્યા હતા. આના પછી GST કૌભાંડને લઈને ભાવનગર, સુરત, રાજકોટ, અમદાવાદ સહિતની જગ્યાઓમાં પણ દરોડા પડ્યા હતા અને 220 જેટલી બોગસ કંપનીઓ બનાવી હોવાનું ખુલ્યું હતું. ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની મહેશ લાંગાની પત્ની, પિતરાઈ ભાઈ અને સિક્યુરિટી ગાર્ડના નામે બનાવવામાં આવી હતી. મહેશ લાંગા દ્વારા છેલ્લા બે વર્ષમાં 20 કરોડનું કૌભાંડ આચાર્યા હોવાનું તપાસ સામે આવ્યું હતું.
ફરિયાદી વિરુદ્ધ ખોટા આર્ટિકલ છપાવી બદનામ કર્યા, 20 લાખ પડાવ્યાં
GST કૌભાંડ આચરનાર પત્રકાર મહેશ લાંગા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખેતી અને જમીન દલાલી કરતા જનક ઠાકોર નામના વ્યક્તિએ મહેશ લાંગા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી.
જનક ઠાકોરની ફરિયાદ મુજબ જમીન દલાલીના કામો પતાવી આપી સારું વળતર આપવાની લાલચ આપી રોકાણના નામે 20 લાખ રૂપિયા મેળવ્યા હતા. ત્યારબાદ ફરિયાદી વિરુદ્ધ ખોટા આર્ટિકલ છપાવી બદનામ કર્યા હતા અને ખોટા કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી અન્ય 20 લાખ પડાવ્યા હતા. આ સમગ્ર મામલે જનક ઠાકોરે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
GST કૌભાંડમાં મહેશ લાંગા અને અન્ય 3ની કરાઈ હતી ધરપકડ
ગુજરાતના પત્રકાર મહેશ લાંગાની ક્રાઈમ બ્રાન્ચ (DCB) દ્વારા 8 ઓક્ટોબર 2024 મંગળવારે સવારે અન્ય ત્રણ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ-DGGI દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે 13 કંપનીઓ અને તેમના માલિકો પર કથિત ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) છેતરપિંડી માટે કેસ નોંધાયાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાંચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અજિત રાજિયને મહેશ લાંગાની ધરપકડ અંગે કહ્યું હતું, "અમે તેની પાસેથી 20 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ, કેટલાક સોનું અને જમીનના કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે."
પોલીસનો આરોપ છે કે GSTની છેતરપિંડીથી સરકારી તિજોરીને નુકસાન થયું છે કારણ કે આરોપીઓએ નકલી બિલ દ્વારા નકલી ITCનો લાભ લીધો હતો અને પાસ કર્યો હતો. FIRમાં આરોપ છે કે આ રેકેટમાં ઉપયોગમાં લેવાયેલા બનાવટી દસ્તાવેજોના આધારે 220થી વધુ બેનામી-નકલી કંપનીઓની બનાવવામાં આવી છે.








