VIDEO: લૂંટારૂઓ બેફામ બનતા જામનગર શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી
VIDEO: જામનગર શહેર અને તાલુકામાં ગત 24 કલાકમાં બે વૃદ્ધાને લૂંટારૂઓ દ્વારા લૂંટી લેવાના બનાવને લઈ જામનગર શહેર સહિત જિલ્લામાં કાયદાની સ્થિતિ વણસી હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં ગુનેગારો બેફામ ગુનાઓ આચરતા થયા છે. બે વૃદ્ધાને ટાર્ગેટ બનાવતા પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠયા છે. જોડિયા તાલુકામાં એક લૂંટની ઘટના બની હતી જ્યારે બીજી ઘટના જમનગર શહેરમાં બની હતી.
જામનગર જિલ્લાના જોડિયાના બોડકા ગામે એક વૃદ્ધાને માર મારી રોકડ રકમ અને સોનાની બે બુટ્ટીઓ સહિત 47 હજારની લૂંટ કરી લૂંટારૂઓ ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા. વૃદ્ધાને એક મહિલા અને ત્રણ શખ્સોએ વૃદ્ધાનું મોં દબાવી દઈ લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજી એક લૂંટની ઘટનાંમાં લાલપુર બાયપાસ નજીક આવેલ સોસાયટીમાં બે શખ્સોએ વૃદ્ધ મહિલાને માર મારી 50 હજારના દાગીના લૂંટી લીધા હતા. બે શખ્સોએ હથિયાર સાથે ઘરમાં ઘૂસી પાર્કિંગમાં આવેલા રૂમમાં સૂતેલા વૃદ્ધાને માર મારી લૂંટ ચલાવી હતી. જે બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

