Jamnagar GG Hospital: આંખના વિભાગમાં શ્વાનોનો જમાવડો, Video Viral થતા ચકચાર
Jamnagar GG Hospital: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
શું છે સમગ્ર ઘટના?
ગઈકાલે રાત્રે જીજી હોસ્પિટલના આંખના વિભાગમાં માનવ સેવાને બદલે 'શ્વાનરાજ' જોવા મળ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યાં ગંભીર દર્દીઓની સારવાર થતી હોય તેવા સંવેદનશીલ વિભાગમાં ડૉક્ટરો કે સિક્યોરિટી ગાર્ડને બદલે રખડતા શ્વાનો આરામ ફરમાવી રહ્યા છે.
વારંવારની બેદરકારી
આ કોઈ પ્રથમ ઘટના નથી; આ અગાઉ પણ જીજી હોસ્પિટલમાં શ્વાનો અને અન્ય જાનવરોના આંટાફેરાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. લાખો રૂપિયાનો ખર્ચ સિક્યોરિટી પાછળ કરવા છતાં, હોસ્પિટલના વોર્ડ સુધી શ્વાનો કેવી રીતે પહોંચી જાય છે તે એક મોટો પ્રશ્ન છે. જો આ રખડતા શ્વાન કોઈ દર્દીને બચકું ભરે તો તેની જવાબદારી કોની?
સ્થાનિક લોકો અને દર્દીઓના સગાઓનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં જી.જી. હોસ્પિટલમાં મૂળભૂત સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા નાબૂદ છે. આંખના વિભાગ જેવા સંવેદનશીલ વિભાગમાં જાનવરોનું પ્રવેશ થવું આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ છે.

