રહેણાક મકાનમાં ચાલતું હતું ભેળસેળિયા દૂધ બનાવવાનું કારખાનું! 486 લિટર દૂધ સહિત મોટો જથ્થો ઝડપાયો

જામનગરના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં રહેણાક મકાનમાં ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 486 લિટર શંકાસ્પદ દૂધ ઉપરાંત 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધનો પાવડર ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
486 લિટર શંકાસ્પદ દૂધ ઝડપાયું
એસ.ઓ.જી. સ્ટાફ કાલાવડ પંથકમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, હરિપર મેવાસા ગામના રબારીવાસમાં રહેતા મેરૂભાઈ બધાભાઈ વંશ પોતાના રહેણાંક મકાનમાં ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરી રહ્યા છે. તેથી મકાનમાં ઓચિંતો દરોડો પાડતાં ત્યાં શંકાસ્પદ દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી આશરે 486 લિટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધના પાવડરનો જથ્થો કબજે કર્યો હતો.
દૂધના નમૂના લઈ તેને પરિક્ષણ માટે સીલબંધ કર્યા
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ દૂધના નમૂના લઈ તેને પરિક્ષણ માટે સીલબંધ કર્યા હતા. ત્યારબાદ શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને દૂધના પાવડરના જથ્થાનો યોગ્ય પદ્ધતિથી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગે આરોપી મેરૂભાઈ વંશ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









