'હર્ષ સંઘવીના ફોન પર IPS અધિકારીઓ કાયદો ઘડતા હોય તેમ લાગે છે', નકલી ED મામલે ઇસુદાન ગઢવીના પ્રહાર
કચ્છમાંથી પકડાયેલા નકલી EDની ટીમને લઇને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી અને ભાજપ એક બીજા પ

કચ્છમાંથી પકડાયેલા નકલી EDની ટીમને લઇને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી અને ભાજપ એક બીજા પર પ્રહાર કરી રહ્યાં છે. AAPના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કચ્છના પોલીસ વડાના નિવેદનને લઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પર ફરી એક વખત પ્રહાર કર્યા છે. આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ કૌભાંડને લઇને પણ ઇસુદાન ગઢવીએ પોલીસને ચેલેન્જ કરી હતી.આ સાથે જ આમ આદમી પાર્ટીને છંછેડનાર ભાજપની તમામ પુરાવા સાથે પોલ ખોલવાની પણ વાત કરી હતી.
ભાજપની પોલ પુરાવા સાથે ખુલ્લી પાડવામાં આવશે- ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કચ્છમાંથી પકડાયેલી નકલી ED ટીમ વિવાદને લઇને પ્રહાર કર્યા હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, 'કચ્છમાં નકલી EDમાં જે વ્યક્તિ પકડાયો છે અને હર્ષ સંઘવીએ AAPને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. દુ:ખની વાત એ છે કે IPS અધિકારીઓ પોતાના બંધારણને ભૂલીને હર્ષ સંઘવીના ફોન પર કાયદો ઘડતા હોય તેમ લાગી રહ્યું છે. કચ્છમાં જે SPનો શરૂઆતનો ઇન્ટરવ્યૂ છે તેમાં તે સરગના અલગ કહે છે અને બીજુ આ જે ભાઇ છે સત્તાર માજોઠી જેના ભાજપના સાંસદ સાથે તસવીરો છે, પોલીસ અધિકારીઓ સાથે તસવીરો છે તેમની પૂછપરછ થતી નથી. કચ્છના એસપી સાથે પણ તસવીરો છે તેમની પૂછપરછ થતી નથી.'
ઇસુદાન ગઢવીએ માંગ કરતા કહ્યું કે, કચ્છ એસપી અને કલેક્ટર પાસે માંગ કરૂં છું કે મેં સાંભળ્યું છે કે કલેક્ટર ઓફિસમાં જ સાંસદનું જનસેવા કાર્યાલય છે તેમાં છેલ્લા ત્રણ મહિનાથી આ ભાઇ બેઠો હોય છે. શું પ્લાન કરતા હતા? નકલી ED બનવાનો પ્લાન શું ત્યાંથી ઘડાયો હતો?
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે કચ્છ એસપી એવું કહે છે કે, આ સરગના છે અને કદાચ આ લોકો રૂપિયા લેતા હોય તેવું લાગે છે.હર્ષ સંઘવીના ટ્વિટ પછી તરત જ એસપીનું નિવેદન બદલાઇ જાય છે.સવાલ એ છે કે હર્ષ સંઘવી ડરી ગયા છે. ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરીને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેકી એટલે કચ્છ એસપીને ફોન કર્યો.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને અઢી લાખનું ફંડ આપ્યું-ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવીએ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 6000 કરોડના કૌભાંડને લઇને પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, 'ભૂપેન્દ્રસિંહ ઝાલા ઓફિશિયલી એમ કહે છે કે અઢી લાખ રૂપિયાનું ફંડ ભાજપને આપ્યું છે. ભૂપેન્દ્ર ઝાલાએ અઢી લાખ ફંડ આપ્યું એનો મતલબ એ થયો કે 6000 કરોડનું કૌભાંડ ભાજપની દેખરેખ હેઠળ થયું છે. CR પાટિલ એવોર્ડ આપે છે, હર્ષ સંઘવી એવોર્ડ આપે છે. ભીખુસિંહ જે ગુજરાત સરકારમાં મંત્રી છે તેમના દિકરા ઓફિસ-સ્કૂલના ઉદ્દઘાટન કરે છે અને ટ્રસ્ટી છે તેમનું નામ FIRમાં કેમ નથી?'
આ પણ વાંચો: 'નકલી નોટોનો અસલી ખેલ': સુરતમાંથી 500 અને 200ની 63872 નકલી નોટો પકડાઈ
હર્ષ સંઘવીની પણ તપાસ થવી જોઇએ- ઇસુદાન ગઢવી
આ સાથે જ AAPના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, 'હર્ષ સંઘવીની પણ તપાસ થવી જોઇએ અને પૂછપરછ થવી જોઇએ. આવું થશે તો નકલી CBI અધિકારી મોરબીમાં પકડાયો છે તે ભાજપનો કાર્યકર્તા છે. તો આખી ભાજપ જેલમાં હોવી જોઇએ. આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર હર્ષ સંઘવીએ કર્યું છે તેમાં હર્ષ સંઘવી જવાબ આપે કે અઢી લાખ રૂપિયાના ભાજપને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ફંડ આપ્યું છે તે મામલે ખુલાસો થવો જોઇએ. હર્ષ સંઘવી અને સીઆર પાટિલની પોલીસ પૂછપરછ કરશે.'
આ સાથે જ ઇસુદાન ગઢવીએ ચેલેન્જ કરતા કહ્યું કે, આગામી સમયમાં આમ આદમી પાર્ટી રણનીતિ સાથે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે અને ભાજપ એકવસ્તુ યાદ રાખે કે તમે આમ આદમી પાર્ટીના સૈનિકોને છંછેડ્યા છે. આગામી સમયમાં ભાજપની ઓલ એક એક પુરાવા સાથે ખોલવામાં આવશે.








