ગરબાના બનાવટી પાસ મોકલવાના કૌભાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી, જાણો શું છે સમગ્ર મામલો

નવરાત્રી દરમિયાન અમદાવાદ અને અન્ય શહેરોના જાણીતા મોટા ગરબા આયોજનની બોગસ ટિકિટ સોશિયલ મિડીયામાં ઓનલાઇન વેચાણ કરીને મોટાપાયે છેતરપિંડી કરવાના કૌભાંડમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા શરૃ કરવામાં આવેલી તપાસમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જે અનુસંધાનમાં અન્ય રાજ્યની પોલીસની મદદ લઇને સાયબર ક્રાઇમ સેલની અલગ અલગ ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરી છે.
નવરાત્રી દરમિયાન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર નવરાત્રીના મોટાઆયોજનની ટિકિટ ઓછી કિંમતે આપવાનું કહીને છેતરપિંડી કરતી ગેંગ મોટાપાયે સક્રિય થઇ હતી. જેમાં મોટાપ્રમાણમાં લોકોએ નાણાં ગુમાવ્યા હતા. એટલું જ નહી ગઠિયાઓએ ટિકિટ બુક કરીને વિશ્વાસ આવે તે માટે ટિકિટ ખરીદનારને ઇ-મેઇલ પણ મોકલતા હતા. બાદમાં ગરબાના સ્થળ પર પહોંચે ત્યારે ટિકિટ નકલી હોવાની જાણ થઇ હતી. આ અંગે સાયબર ક્રાઇમમાં અનેક લોકોએ જાણ કરી હતી અને એક ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
ત્યારે ટેકનીકલ એનાલીસીસ તેમજ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પરથી મળેલી માહિતીને આધારે જાણવા મળ્યું હતું કે આ કૌભાંડ રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ચલાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે સાયબર ક્રાઇમ સેલની અલગ અલગ ટીમ દ્વારા અન્ય રાજ્યની પોલીસની મદદથી આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.






