ગુજરાતમાં કિડની ફેઈલના વધી રહ્યા છે કેસ, 2230 જેટલા દર્દીઓ જોઈ રહ્યા છે ડોનરની રાહ
ગુજરાતમાં કિડનીની સમસ્યા ધરાવતા દર્દીઓ સતત વધી રહ્યા છે. હાલ ગુજરાતમાં 2230 જેટલા દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડો

ગુજરાતમાં કિડનીની સમસ્યા ધરાવતા દર્દીઓ સતત વધી રહ્યા છે. હાલ ગુજરાતમાં 2230 જેટલા દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનરની રાહ જોઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે હાલ ડોનરની રાહ જોઇ રહેલા દર્દીઓમાંથી અનેક યુવા વયના પણ છે. બદલાતી જતી જીવનશૈલીના કારણે યુવાનોમાં કિડનીની બીમારીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.
કિડની ડોનરની રાહ જોતાં દર્દીમાં સતત વધારો
પહેલા મોટી ઉંમરના લોકોની કિડની નિષ્ફળ જતી જોવા મળતી હતી, પરંતુ હવે યુવાનોમાં પણ બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ મેડિસિટીમાં આવેલી કિડની હોસ્પિટલમાં ત્રણ વર્ષમાં 1046 દર્દીઓની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જેમાંથી 763 દર્દીઓની ઉંમર 40 વર્ષ કરતાં ઓછી છે.
બેઠાડુ જીવન, સ્ટ્રેસ, વઘુ પડતી પેઇનકિલર કારણભૂત
આ આંકડા પ્રમાણે આ સમયગાળામાં થયેલા કુલ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં યુવાનોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું પ્રમાણ 70 કરતા વધુ છે. યુવાનોમાં કિડની ફેલ્યોર વધવાનું સૌથી મોટું કારણ યુવાનોની લાઈફસ્ટાઇલ છે, કારણ કે જીવનશૈલી શરીરનાં તમામ અંગો ઉપર ગંભીર અસરો કરે છે. એમાં કિડની એ શરીરનું અમૂલ્ય અંગ છે, આથી લાઈફસ્ટાઈલ અને યુવાનોમાં વધતા જતા સ્ટ્રેસ લેવલની અસર કિડની પર પડે છે. આ ઉપરાંત બહારનું જમવાનું અને વધુ પડતું મીઠાયુક્ત ભોજન તથા બેઠાડું જીવન કિડની સહિત શરીરના અન્ય ભાગો ઉપર સૌથી વધુ અસર કરે છે. આ ઉપરાંત રાત્રે ઊજાગરા, પૂરતી ઊંઘ ન લેવી અને સોલ્ટી ફૂડની સીધી કિડની પર અસર કરે છે. એને કારણે યુવાનોમાં કિડની ફેલ્યોરનું પ્રમાણ વઘ્યું છે.






