ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં બમણો વધારો; વડોદરામાં બાળકીએ ગુમાવ્યો જીવ,મહેસાણા-પંચમહાલમાં જોવા મળ્યા નવા કેસ
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. વડોદરામાં ચાંદીપુરા વાયરસને કારણે એક બાળકીનું મોત થયુ

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. વડોદરામાં ચાંદીપુરા વાયરસને કારણે એક બાળકીનું મોત થયું છે જ્યારે મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના લક્ષણ બાળકોમાં જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં બે દિવસમાં બમણો વધારો થયો છે. ચાંદીપુરા વાયરસથી સત્તાવાર રીતે 20થી વધુ બાળકોના મોત થયા છે.
વડોદરામાં રિપોર્ટ આવે તે પહેલા જ બાળકીનું મોત
વડોદરાના ગોત્રી મહીનગર વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીની 17 જુલાઇએ તબિયત બગડી હતી. ઝાડા ઉલ્ટી અને તાવની પ્રાથમિક સારવાર લીધી હતી પરંતુ ચાંદીપુરા વાયરસના લક્ષણો હોવાથી બાળકીને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીના સેમ્પલ રિપોર્ટ માટે મોકલ્યા હતા પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ બાળકીનું મોત થયું હતું.
સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં છ બાળકોના મોત
ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના સાત બાળકો હાલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 5 બાળકો આઈસીયુમાં છે. જોકે, અત્યારે સુધી કુલ 6 બાળકોના મૃત્યુ થયા છે.
મહેસાણામાં પણ ચાંદીપુરાના લક્ષણ જોવા મળ્યા
મહેસાણા જિલ્લામાં વધુ એક ચાંદીપુરાનો કેસ સામે આવ્યો છે. જોટાણા તાલુકાના હરસંન્ડલ ગામમાં ચાંદીપુરાનો કેસ સામે આવ્યો છે. 12 વર્ષના કિશોરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. કિશોરને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 6 દિવસ બાદ મહેસાણા જિલ્લામાં ચાંદીપુરાનો કેસ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. મહેસાણામાં આ પહેલા ચાંદીપુરાના 3 પૈકી બે કેસ પોઝીટીવ આવ્યા હતા. વરેઠાના મૃતક બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
પંચમહાલમાં પણ ચાંદીપુરા વાયરસના બે કેસ સામે આવ્યા
પંચમહાલના મોરવા હડફ તાલુકાના ખાનપુર અને ખાબડા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા બે કેસ સામે આવ્યા છે. ખાબડા ગામના એક વર્ષના બાળકમાં લક્ષણ જોવા મળતા તેને ગોધરા અને વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા ખાનપુર ગામના દોઢ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો
ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે વધુ 28 નવા કેસ નોંધાયા હતા જ્યારે પાંચ બાળકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં ચાંદીપુરાના કેસ વધીને 60ને પાર કરી ગયા છે. ચાંદીપુરા કેસમાં સત્તાવાર રીતે 20 બાળકો જીવ ગુમાવી ચુક્યા છે. 17 જુલાઇના ચાંદીપુરાના 26 કેસ હતા. બે દિવસમાં કેસમાં બમણો વધારો થયો છે.ચાંદીપુરાના સાબરકાંઠા અને પંચમહાલમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણ
- ખેંચ આવવી
- માથાનો દુ:ખાવો
- બેભાન થવું
- હાઇગ્રેડ તાવ
- ઉલટી
- ઝાડા
- 0થી 14 વર્ષના બાળકોને આ બીમારીની સંભાવના વધારે છે.
- જો આવા ચિહ્ન-લક્ષણો સાથેની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો...








