નવરાત્રિમાં ગરબા ક્વિનના સૂર-તાલમાં મચશે ધમાલ, બાળકો-યુવાનો અને સિનિયર સિટિઝનોમાં થનગનાટ
મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ ખાતે વિશ્વ વિખ્યાત ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે ગરબે ઝૂમવા

મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ ખાતે વિશ્વ વિખ્યાત ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે ગરબે ઝૂમવા નાના બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝનો થનગની રહ્યા છે. સ્વર્ગીય પ્રમોદ મહાજન મેદાન ખાતે સતત સાતમા વરસે ફાલ્ગુની પાઠક પર્ફોર્મ કરી રહી છે. આ ભવ્યાતિભવ્ય નવરાત્રિમાં પ્રતિદિન ત્રીસ હજારથી વધુ ભક્તો માતાજીના ગરબા રમવા આવે એવી શક્યતા છે. નવરાત્રી દરમિયાન કુલ પાંચ લાખ જેટલા લોકો અહીં ગરબે ઘૂમવા આવી પહોંચશે.
સતત સાતમા વરસે બોરિવાલી ખાતે યોજાઈ રહેલી ફાલ્ગુની પાઠકની નવરાત્રિમાં ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી શકે એ માટે અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે હજારો ગરબા પ્રેમીઓ છૂટથી રાસ ગરબા રમી શકે એવા વિશાળ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિનું આયોજન કરાયું છે. ઉપરાંત સમગ્ર ગ્રાઉન્ડ પર બે લાખ ચોરસફૂટનો વિશાળ ડાન્સ ફ્લૉર બનાવવામાં આવ્યો છે જેથી ખેલૈયાઓને કોઈ શારીરિક તકલીફ ન થાય અને નચિંત બની ગરબા રમી શકે. એમ મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિનું આયોજન કરનાર સાઈ ગણેશ વેલફેર અસોસિયેશન અને શોગ્લિટ્ઝ નવરાત્રિના ડિરેક્ટર શ્રી સંતોષ સિંહે જણાવ્યું હતું.
સંતોષ સિંહે વધુમાં કહ્યું કે, માતાજીનું પર્વ હોય અને ગરબાના ગ્રાઉન્ડ પર માતાજીનું મંદિર ન હોય એવું તો શક્ય જ નથી. મેદાન પર માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં અંબા માતા બિરાજમાન છે. માતાજીની મૂર્તિ એટલી આકર્ષક છે કે જાણે સાક્ષાત માતાજી જ બિરાજમાન છે અને તમામ ખેલૈયાને આશીર્વાદ આપવા પધાર્યા હોય એવી લાગણી અનુભવાય છે.






