મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેવી રીતે ભણશે ગુજરાત? અહિં શાળાનું બિલ્ડીંગ જર્જરીત થતા આવાસના મકાનમાં ભણવા મજબૂર વિદ્યાર્થીઓ

ગુજરાતમાં એજ્યુકેશનના નામે મોટા મોટા તાયફાઓ થાય છે. પરંતુ સ્થિતિ હજુ સુધરી ન હોય તેવા અસંખ્ય બ

કેવી રીતે ભણશે ગુજરાત? અહિં શાળાનું બિલ્ડીંગ જર્જરીત થતા આવાસના મકાનમાં ભણવા મજબૂર વિદ્યાર્થીઓ

ગુજરાતમાં એજ્યુકેશનના નામે મોટા મોટા તાયફાઓ થાય છે. પરંતુ સ્થિતિ હજુ સુધરી ન હોય તેવા અસંખ્ય બનાવો જોવા મળી રહ્યાં છે. અંતરિયાળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકના કેવડી ગામની પ્રાથમિક શાળાના 3 ઓરડા જર્જરીત થતાં જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના ઈજેનરો દ્વારા બાળકોને શાળાના ઓરડામાં ના બેસાડવા માટે આચાર્યને સૂચના આપી હતી. સરકારે વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા 55થી વધુ બાળકો આવાસના નાના રૂમમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. 

ઓટલા પર બેસવા વિદ્યાર્થી મજબૂર

નસવાડી તાલુકાનું છેવાડાનું ગામ કેવડી છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા ચાલે છે. આ શાળામાં 55થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ શાળાના વર્ષ 1978માં બની હતી. જેને 46 વર્ષ વીતી જતા શાળાના 3 ઓરડા જર્જરીત હોવાથી બાળકોને આ ઓરડાઓમાં બેસાડી શકાય તેવી પરિસ્થિતિ ઉભી થતા જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના જીવના જોખમના લઇને પ્રાથમિક શાળાને અન્ય જગ્યાએ ખસેડવાનો નિર્ણય લેતા ગામમાં સરકારી કોઈ મકાન ન હોવાથી ગામના ડું.ભીલ માગતિયાભાઈના આવાસના મકાનમાં પ્રાથમિક શાળા ખસેડવામાં આવી હતી. જેને લઇ આ મકાનમાં પરિવાર રહેતું હોવાથી જગ્યાના આભાવે બાળકો ઓટલા ઉપર ઠાંસી ઠાંસીને બેસાડવાનો વારો આવ્યો છે.

એક જ શિક્ષક કરાવે છે અભ્યાસ

આવાસમાં પંખાની સુવિધા ના હોવાથી ગરમીમા બાળકો શેકાઈ રહ્યા છે. જયારે શૌચાલયની પણ સુવિધા નથી. આવી પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે શાળાના આચાર્યના જણાવ્યા મુજબ શાળામાં 3 શિક્ષકોની જગ્યા છે. પરંતુ એક જ શિક્ષક છે. જ્યારે બે શિક્ષકની જગ્યા ખાલી છે. એક ધોરણના બાળકોને અભ્યાસ કરાવું તો બીજા ધોરણના બાળકો ધમાલ કરે છે. જેના કારણે બાળકોના અભ્યાસ ઉપર પણ અસર પડે છે. એક વર્ષથી આવાસમાં શાળા ચાલે છે. સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે. શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવામાં આવે છે. પરંતુ શાળાના ઓરડાઓ પણ બનાવવામાં આવતા નથી. આવી રીતના આદિવાસી બાળકો અભ્યાસ કરવા મજબૂર હોય ત્યારે વિકાસની ગાથા ગાતા નેતાઓ આદિવાસી વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળાઓની મુલાકાત લે તે જરૂરી બન્યું છે. 

આ સમાચાર શેર કરો