મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ્પ, રસ્તાઓ બન્યા નદી; અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને ટ્રાફિક જામ

સુરત શહેરમાં સોમવારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતુ

સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ્પ, રસ્તાઓ બન્યા નદી; અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને ટ્રાફિક જામ
આ સમાચાર સાંભળો

સુરત શહેરમાં સોમવારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. થોડા જ સમયમાં ભારે વરસાદ વરસવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, જ્યારે કેટલીક જગ્યાએ ડ્રેનેજના પાણી પાછા વળવાની (બેક મારવાની) ફરિયાદો પણ સામે આવી હતી. અડાજણ, સલાબતપુરા, કતારગામ, વરાછા, પાલનપુર અને ઉધના સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સુરતમાં અતિભારે વરસાદથી સૂરત બદલાઈ

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં એટલે કે 12 કલાક 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત સિટીમાં સૌથી વધુ 4.41 ઇંચ વરસાદ ખાબક્યો છે. કામરેજમાં 3.31 ઇંચ, જ્યારે વલસાડના વાપીમાં 4.13 ઇંચ, પારડીમાં 4.09 ઇંચ અને નાનપોંઢામાં 2.99 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ થતાં ટ્રાફિક જામ

બપોર પછી શરૂ થયેલા મુસળધાર વરસાદે સુરતના મોટાભાગના વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. સતત વરસી રહેલા વરસાદને કારણે મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. ઓફિસ છૂટવાનો સમય નજીક હોવાથી રસ્તા પર વાહનોની ભારે અવરજવર હતી, જેમાં પાણી ભરાઈ જતાં અનેક સ્થળોએ ચક્કાજામ સર્જાયો હતો. આ સ્થિતિને કારણે વાહનચાલકોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડ્યું હતું.

અડાજણમાં વૃક્ષ ધરાશાયી, અનેક વાહનો ફસાયા

રાંદેર ઝોનમાં આવેલા અડાજણના ઋષભ ચાર રસ્તા પાસે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જતાં સમગ્ર વિસ્તાર તળાવમાં ફેરવાઈ ગયો હતો. મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અનેક દ્વિચક્રી અને ચાર પૈડાવાળા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. કેટલાક વાહનો બંધ પડી જતાં વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. આ દરમિયાન ભારે પવનના કારણે આ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ બની હતી, જેનાથી વાહનવ્યવહાર વધુ પ્રભાવિત થયો હતો અને લોકોની સમસ્યા બમણી થઈ ગઈ હતી. બીજી તરફ, કેટલાક સ્થળોએ ગટરના ઢાંકણામાંથી ગંદુ પાણી બહાર આવતા વરસાદી પાણી સાથે ગંદકી પણ રસ્તાઓ પર ફરી વળી હતી.

સલાબતપુરા જળબંબાકાર, પાલિકા દ્વારા કામગીરી

શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા સપ્તશૃંગી માતાના મંદિર પાસેનો વિસ્તાર ફરી એકવાર આ વરસાદમાં જળબંબાકાર થઈ ગયો હતો અને ત્યાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ભારે વરસાદને પગલે સુરત મહાનગરપાલિકા (SMC) ના અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ ઝોનમાં મેદાનમાં ઉતારાયા હતા. પાણી ભરાયેલા વિસ્તારોમાંથી નિકાલ ઝડપથી થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, છતાં અનેક સ્થળોએ લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ સમાચાર શેર કરો