VIDEO: સાવરકુંડલા તાલુકામાં ફલકું- મેરામણ નદીના પૂરના પાણી ગામમાં ઘૂસ્યા
અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ફિફાદ, ભમોદ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ
અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ફિફાદ, ભમોદ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ઘોબા ગામ નજીક ફલકું નદી અને મેરામણ નદીમાં ભારે પુર આવ્યું હતું. પૂરના કારણે નદીના પાણી ગામમાં ઘૂસી આવ્યા હતા. અતિશય વરસાદના કારણે ઘોબા ગામની શેરીઓ પાણી પાણી થઈ હતી. ગામમાં આશરે પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું સ્થાનિકો એ જણાવ્યું છે. ફિફાદ અને ઘોબા વચ્ચેના નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
અમરેલી જિલ્લાની સ્થાનિક નદીઓમાં પૂર
ભારે વરસાદના લીધે રાજુલાના બર્બટાણા ગામની ઘિયાલ નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. નદીના મસમસતા પ્રવાહના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. સાવરકુંડલા શહેરમાં ત્રણથી વધુ વરસાદ નોંધાયો છે. સાવરકુંડની આસપાસ તમામ ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે જ્યારે ચેકડેમો પણ છલકાયા છે. સાવરકુંડલાની નાવલી નદી, ઘોબા ગામ નજીક ફલકું નદી, મેરામણ નદી અને ગાધકડા, ડુંગર ગામની સ્થાનિક નદીમાં ધોડાપૂર આવ્યું છે.
રાજુલાના વાવેરામાં મૂશળધાર વરસાદ
ઘાણો નદીમાં ઘોડાપુર આવતા ગામામાં આવવા જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. ઘાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે બે લોકો ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલમાં સ્થાનિક લોકો દ્રારા ફસાયેલા લોકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ સાવરકુંડલા નજીક જાબાળ ગામે સુરજ વળી નદી બે કાંઠે વહેવા લાગી છે. સુરજ વડી નદી કાંઠે આવેલું હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે.


