રાજ્યમાં વિવિધ જગ્યાએ આધારકાર્ડ E-kyc કરાવવામાં ધાંધિયા, અરજદારો ધક્કા ખાવા મજબૂર
રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃતિ માટે રેશનકાર્ડમાં ઇ-કેવાયસી ફરજિયાત કરાવવાનું ફરમાન જારી કરાયું છે. આધારકાર્ડ અપડેટ

રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃતિ માટે રેશનકાર્ડમાં ઇ-કેવાયસી ફરજિયાત કરાવવાનું ફરમાન જારી કરાયું છે. આધારકાર્ડ અપડેટ કરાવવાને લઈને જન સેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે, તંત્રની અણ આવડતને કારણે અરજદારો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે.
સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોમાં આધારકાર્ડ સિસ્ટમો બંધ હોવાના પગલે સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવા કલેક્ટર કચેરીમાં લાંબી કતારો લાગી છે. સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે આધારકાર્ડ ઇ-કેવાયસી કરાવું ફરજીયાત છે. રેશનકાર્ડમાં નામ ચડાવા માટે પણ લાંબી લાઈનો લાગી છે. ઇ-કેવાયસી ન થાય અને આધારકાર્ડ અપગ્રેડ નહીં થાય તો વિદ્યાર્થીઓ સ્કોલરશીપના ફોર્મ ભરી નહિ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેના પગલે વિદ્યાર્થોઓએ પોતાની વરાળ ઠાલવી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ
અમરેલી જિલ્લામાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ હોવાના કારણે લોકોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એજન્સી દ્વારા આધારકાર્ડ સેન્ટર પર ઓપરેટરોની નિમણૂક નહિ કરતા અનેક સેન્ટરો પર આધારકાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે. સાવરડુંડલામાં 40 અરજદારોને એક દિવસ માટે ટોકન આપવામાં આવે છે, તો તેની સામે 100 કરતા વધુ અરજદારો કામગીરી માટે આવે છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના તાલુકામાંથી આધરકાર્ડની કામગીરી માટે અરજદારો સાવરકુંડલા આવે છે.
પાલનપુર જનસેવા કેન્દ્રમાં સતત 4 દિવસથી અરજદારોની લાંબી લાઈન
પાલનપુર જનસેવા કેન્દ્રમાં સતત 4 દિવસથી અરજદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે. આધારકાર્ડ E-KYC માટે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ લાઈનમાં ઉભા રહે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જનસેવા કેન્દ્રમાં માત્ર 2 લોકોનો સ્ટાફ હોવાથી અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાનું ભણતર બગાડી આધાર કાર્ડ અપડેટ માટે ધક્કા ખાઈ રહ્યા છે.








