GST ફ્રોડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે પત્રકાર મહેશ લાંગાને આપ્યાં જામીન
પત્રકાર મહેશ લાંગા સામે ચાલી રહેલા GST ફ્રોડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે.

પત્રકાર મહેશ લાંગા સામે ચાલી રહેલા GST ફ્રોડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહેશ લાંગાને જામીન આપ્યાં છે. આ જમીન અરજીના લેખિત ઓર્ડરમાં હાઇકોર્ટે નોંધ્યું છે કે સત્તાધીશોને અન્ય કોઈ કેસમાં જરૂરિયાત ન હોઈ તેવા સંજોગોમાં જ અરજદારને મુક્ત કરવો જોઈએ.
GST કૌભાંડમાં મહેશ લાંગા અને અન્ય 3ની કરાઈ હતી ધરપકડ
ગુજરાતના પત્રકાર મહેશ લાંગાની ક્રાઈમ બ્રાન્ચ (DCB) દ્વારા 8 ઓક્ટોબર મંગળવારે સવારે અન્ય ત્રણ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ-DGGI દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે 13 કંપનીઓ અને તેમના માલિકો પર કથિત ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) છેતરપિંડી માટે કેસ નોંધાયાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાંચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અજિત રાજિયને મહેશ લાંગાની ધરપકડ અંગે કહ્યું હતું, "અમે તેની પાસેથી 20 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ, કેટલાક સોનું અને જમીનના કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે."
પોલીસનો આરોપ છે કે GSTની છેતરપિંડીથી સરકારી તિજોરીને નુકસાન થયું છે કારણ કે આરોપીઓએ નકલી બિલ દ્વારા નકલી ITCનો લાભ લીધો હતો અને પાસ કર્યો હતો. FIRમાં આરોપ છે કે આ રેકેટમાં ઉપયોગમાં લેવાયેલા બનાવટી દસ્તાવેજોના આધારે 220થી વધુ બેનામી-નકલી કંપનીઓની બનાવવામાં આવી છે.






