મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો: ઉત્તર ગુજરાત પછી હવે સૌરાષ્ટ્રમાં જામનગર-રાજકોટ-કચ્છમાં જોવા મળ્યા કેસ

ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.રાજ્યમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ 100ની નજીક પહોંચી ગયા

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો: ઉત્તર ગુજરાત પછી હવે સૌરાષ્ટ્રમાં જામનગર-રાજકોટ-કચ્છમાં જોવા મળ્યા કેસ

ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.રાજ્યમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ 100ની નજીક પહોંચી ગયા છે. અમદાવાદ,સાબરકાંઠા, સુરત, રાજકોટ અને જામનગરમાં ચાંદીપુરા વાયરસના નવા કેસ સામે આવ્યા છે. આ વાયરસને કારણે કેટલાક બાળકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. 

સુરત-જામનગરમાં એક-એક બાળકે ગુમાવ્યો જીવ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર છવાયો છે. ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જામનગરની જીજી હૉસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું છે. ખંભાળિયાના બાળકના લોહીના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં તેના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. 

સુરતમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ, એક બાળકીનું મોત

સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને આજે તે બે પૈકી એક બાળકીનું મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. 11 વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા બિમારી બાદ મોત નિપજ્યું છે.સચિન સ્લમ બોર્ડ આવાસમાં રહેતી બાળકી બિમાર પડતા તેને ગયા શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકીને ખૂબ તાવ આવી રહ્યો હતો. તબીબી પરિક્ષણ કરાતા બાળકીમાં ચાંદીપુરા રોગના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવ્યા હતા, જેથી તબીબોએ તેની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે,સારવાર દરમિયાન જ બાળકીનું મોત નિપજ્યું હતું.

અમદાવાદમાં પણ મળ્યો ચાંદીપુરાનો કેસ

અમદાવાદ વિસ્તારમાં રહેતા બાળકના ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. પોઝિટિવ રિપોર્ટ ધરાવતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ચાંદખેડાનો રહેવાસી છ વર્ષનો બાળક સારવાર હેઠળ છે. અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 3 નેગેટિવ જ્યારે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે 3ના રિઝલ્ટ પેન્ડિંગ છે. સરદારનગરની 11 વર્ષની બાળકીનું મોત થયું હતું જેનો સેમ્પલ રિપોર્ટ આવવાનો બાકી છે.

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના 18 કેસ

સાબરકાંઠાની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી 18 કેસ નોંધાયા છે. ચાંદીપુરા વાયરસે ઇડરમાં દસ્ક્ત દેતા આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી હતી. ઇડર તાલુકાના લાલોડા અને સાબલવાડ કંપામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો એક-એક કેસ સામે આવ્યો છે. હાલ બન્ને બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી 13 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેમાંથી 4ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 1 અરવલ્લીના બાળકનું મોત થયું છે જ્યારે સાબરકાંઠાના 3 પોઝિટિવ બાળક આવ્યા હતા જેમાંથી એકનું મોત થયું છે જ્યારે બે બાળક સારવાર હેઠળ છે. 

જામનગરમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત ખંભાળિયાના એક બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટૂંકી સારવાર બાદ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકના રોગની તપાસ કરવા માટે તેના લોહીના સેમ્પલને પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બાળકના રિપોર્ટ પોઝિટિવ આવતા તે ચાંદીપુરા વાયરસથી પીડિત જણાયો હતો. જ્યારે બાળકનું મૃત્યુ થયું હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા તેના પરિવારજનો તેમજ આસપાસના વિસ્તારમાં સ્વાસ્થ્યને લઈને સચોટ પગલા લેવામાં આવ્યાં છે.

કચ્છમાં ચાંદીપુરાનો કેસ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં

કચ્છમાં પણ ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવ્યો છે. નખત્રાણાના દેવપરની બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.નખત્રાણાના ગામમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા 5 હજાર જેટલા કાચા ઘરોમાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ

 રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. આ પહેલા 5 બાળકોના મોત થયા હતા. સિવિલ હોસ્પિટલ દ્વારા કૂલ 7 બાળકના રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા જે પૈકી 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલ સિવિલમાં સારવાર લઇ રહેલ 2 વર્ષની બાળકી પોઝિટિવ છે.

આ સમાચાર શેર કરો