ગુજરાત બોર્ડનું પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર! ધોરણ-10માં મોટો ઝટકો, ધોરણ 12 સામાન્ય પ્રવાહે બાજી મારી!
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શુક્રવારે(3 જુલાઈ) ધોરણ-10(SSC), ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-10નું 33.05%, ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 60.86% અને વિજ્ઞાન પ્રવાહનું 27.36% પરિણામ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પૂરક પરીક્ષાના પરિણામ મુજબ, ફેબ્રુઆરી-માર્ચ-2026ની બોર્ડની પરીક્ષામાં અનુત્તીર્ણ હોય તે પૈકી SSC પરીક્ષા જૂન (પૂરક) 2026 પરીક્ષા માટે કુલ 1,21,439 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં 93,321 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી 30,845 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જૂન (પૂરક) 2026 પરીક્ષાનું સમગ્ર રાજ્યનું પરિણામ 33.05 ટકા આવ્યું છે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં 60.86 ટકા પરિણામ
તેવી જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં જૂનની પૂરક પરીક્ષા માટે કુલ 40,233 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 33,944 ઉમેદવારોએ પરીક્ષા આપતાં કુલ 20,658 પાસ થયા છે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહની જૂન 2026માં લેવાયેલી પૂરક પરીક્ષાનું સમગ્ર રાજ્યનું 60.86 ટકા પરિણામ આવ્યું છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 16,120માંથી 4,411 પરીક્ષાર્થીઓ પાસ
જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં નોંધાયેલા 18,549 પરીક્ષાર્થીમાંથી 16,120 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી 4,411 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. જેનું 27.36 ટકા પરિણામ રહ્યું છે.






