લાંચ લેવા માટે ત્રાહિત વ્યક્તિઓના ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ, ACBએ લાંચીયા બાબુઓને મદદ કરનારા 140 વ્યક્તિઓને પકડ્યાં
અમદાવાદ : લાંચીયા સરકારી કર્મચારીઓએ લાંચ લેવા માટ

અમદાવાદ : લાંચીયા સરકારી કર્મચારીઓએ લાંચ લેવા માટેની મોડેસ ઓપરેન્ડી બદલી છે. હવે લાંચીયા અધિકારીઓએ લાંચ લેવા માટે પોતાના ખાનગી માણસો નિયુક્ત કર્યા છે. આ ખાનગી માણસો લાંચીયા અધિકારીઓના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ કામ કરવા માટે અરજદારો-નગરીકો પાસેથી પોતાના UPI અને ડિજિટલ સ્કેનરનો ઉપયોગ કરતા હતા અને બાદમાં અધિકારીઓ પોતાના આવા ખાનગી માણસો પાસેથી લાંચના નાણાં લઈ લેતા હતા. કોર્પોરેશન તેમજ ગૃહ વિભાગમાં સરકારી કર્મચારીઓ આ રીતે ખાનગી વ્યક્તિઓ મારફતે લાંચ સ્વીકારતા થયા છે.
પણ હવે ACBએ આ રીતે સરકારી અધિકારીઓને લાંચ લેવા માટે મદદ કરનારા 140 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. લાંચીયા સરકારી કર્મચારી પ્રોવિઝન સ્ટોર તથા દુકાનદારોના ડિજીટલ પેમેન્ટના સ્કેનરનો ઉપયોગ કરવા લાગ્યા છે. ACBની ટ્રેપમાં 200 રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધીની ટ્રેપમા લાંચિયા સરકારી કર્મચારી તેમજ મદદ કરનારા વચોટિયા ઝડપાયા છે.
વર્ષ 2022ના નવેમ્બર મહિનાથી માર્ચ 2024 સુધીમાં લાંચ સ્વીકારતા ખાનગી વ્યક્તિઓની યાદી
- નવેમ્બર 2022થી ડીસેમ્બર 2022 સુધીમા એસીબીએ 19 ખાનગી વ્યક્તિઓને ઝડપીને કુલ 7લાખ 85 હજાર 770 રૂપિયાની લાંચની રકમ કબજે કરી છે.
- જાન્યુઆરી 2023થી માર્ચ 2023 સુધીમાં એસીબીએ 28 ખાનગી વ્યક્તિઓને ઝડપીને કુલ 24 લાખ 38 હજાર 340 રૂપિયાની લાંચની રકમ કબજે કરી છે.
- માર્ચ 2023થી સપ્ટેમ્બર 2023 સુધીમાં એસીબીએ 42 ખાનગી વ્યક્તિઓને ઝડપીને કુલ 27 લાખ 29 હજાર 400 રૂપિયાની લાંચની રકમ કબજે કરી છે.
- ઓક્ટોમ્બર 2023થી ડીસેમ્બર 2023 સુધીમાં એસીબીએ 21 ખાનગી વ્યક્તિઓને લાંચ લેતા ઝડપ્યા છે.
- જાન્યુઆરી 2024થી માર્ચ 2024 સુધીના બે મહિનામાં 30 જેટલા ખાનગી વ્યક્તિઓને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા છે.
ACBએ લાંચ લેનાર સરકારી બાબુઓની મદદ કરનારા ખાનગી વ્યક્તિઓ પર પણ તવાઈ બોલાવતા હવે આવા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.






