મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkotમાં ગંભીર બેદરકારી; સગીરે કાર નીચે 4 વર્ષની માસૂમ બાળકીને કચડી નાખી

રાજકોટના કુવાડવા રોડ ઉપર ચામુંડા સોસાયટીના મેદાનમાં ગઇકાલે સાંજે એક સગી

Rajkotમાં ગંભીર બેદરકારી; સગીરે કાર નીચે 4 વર્ષની માસૂમ બાળકીને કચડી નાખી
આ સમાચાર સાંભળો

રાજકોટના કુવાડવા રોડ ઉપર ચામુંડા સોસાયટીના મેદાનમાં ગઇકાલે સાંજે એક સગીરે કાર નીચે ચાર વર્ષની બાળકીને કચડી નાંખી હતી. જ્યારે બીજી બાળકીને ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં સગીરને કારની ચાવી આપી ગંભીર બેદરકારી દાખવનાર અંગે બી.ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

કુવાડવા રોડ પરના રોહીદાસપરા શેરી નં.6માં રહેતા મહેશભાઇ મનસુખભાઇ ચુડાસમા (ઉ.વ.30) મજૂરી કામ કરે છે. સંતાનમાં તેને પુત્રી જીયાંશી (ઉ.વ.4 વર્ષ 4 માસ) અને પુત્ર હેત (ઉ.વ.2 વર્ષ 6 માસ) છે. ગઇકાલે સાંજે જીયાંશી પાડોશમાં રહેતી વૈશાલી સાથે પોતાના ઘરથી થોડે દૂર ચામુંડા સોસાયટીમાં આવેલા મેદાનમાં રમવા ગઇ હતી.

તે વખતે મેદાનમાં બીજા બાળકો ક્રિકેટ રમતાં હતા. આ દરમિયાન વૈશાલીના ઘરે મહેમાન કાર લઇને આવ્યા હતા. જે ચામુંડા સોસાયટીના મેદાનમાં પાર્ક કરી હતી. ત્યાં ક્રિકેટ રમતાં બાળકોને કાર નડતી હોવાથી વૈશાલીના ઘરે કાર મેદાનમાંથી લઇ લેવાનું કહેવા ગયા હતા. ત્યાં હાજર કોઇ વ્યક્તિએ બાળકોમાંથી કોઇને કાર ચલાવતા આવડે છે કે કેમ તેમ પુછી અકસ્માત સર્જનાર સગીરને કારની ચાવી આપી દીધી હતી.

જેથી તે સગીરે કાર સ્ટાર્ટ કરતા જ આવડતી ન હોવાથી સ્ટીયરીંગ ઉપરથી કાબૂ ગુમાવી જીયાંશીને કારના આગલા વ્હીલ નીચે કચડી નાંખી હતી. વૈશાલીને પણ ઇજા પહોંચાડી હતી. બંનેને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ જીયાંશીએ દમ તોડી દીધો હતો. બી.ડિવિઝન પોલીસે તેના પિતાની ફરિયાદ પરથી સગીર કાર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો