Bhavnagar / ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત; ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક આજે (છઠ્ઠી ઓક્ટોમ્બર) ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો

ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક આજે (છઠ્ઠી ઓક્ટોમ્બર) ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ઉભેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
મૃતકોની ઓળખ થઈ
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકો અલંગ શિપબ્રેકિંગ યાર્ડના બે અલગ-અલગ પ્લોટમાં ફરજ બજાવતા સ્ટાફના સભ્યો હતા. આ ભયાનક મૃત્યુ પામનારા છ વ્યક્તિઓની ઓળખ વિજય, સાધુ, જિગ્નેશ, ભાર્ગવ, હિરેન અને યોગેશ તરીકે થઈ છે. જ્યારે દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જયેશ નામના શખસને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતના સમાચાર મળતાં જ મૃતકોના પરિવારજનો સહિત સમગ્ર અલંગ વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.






