આવતીકાલે ગોંડલ બંધનું એલાન મોકૂફ, આરોપી વિરુદ્ધ ઉમેરાઈ હત્યાના પ્રયાસની કલમ
ગોંડલ પાટીદાર સગીર યુવકને માર મારવાને મામલે ભોગ બનનાર પરિવાર તેમજ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પકડાયેલ આરો

ગોંડલ પાટીદાર સગીર યુવકને માર મારવાને મામલે ભોગ બનનાર પરિવાર તેમજ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પકડાયેલ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ ઉમેરવાની માંગ કરી હતી. જો માંગ નહિ સંતોષવામાં આવે તો શનિવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે. પોલીસ તેમજ આગેવાનો દ્વારા કલમ ઉમેરવાની માંગની બાંહેધરી આપતા પાટીદાર સમાજ દ્વારા બંધનું એલાન પાછું ખેંચ્યું હતું. આવતીકાલે ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ રહેશે તેવું સગીરના પિતાએ નિવેદન આપ્યું હતું. ભોગ બનનાર સગીરના પિતાએ તમામ સમાજના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
રાજકોટ જિલ્લામાં ગોંડલ શહેરના ભગવતીપરામાં કૉલેજ ચોક ગ્રાઉન્ડ પાસે નજીવા મુદ્દે માથાકૂટ થતા જાહેરમાં ત્રણ લોકોએ ધોકાથી એક 17 વર્ષીય યુવક પર હિચકારો હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ઈજાઓ થઈ હતી. માર ખાઈ રહેલા દીકરાને છોડાવવા વચ્ચે પડેલા માતા-પિતાને પણ આ શખ્સોએ માર માર્યો હતો. નજીવા મુદ્દે માથાકૂટને લીધે જાહેરમાં મારામારીના વીડિયો પણ સામે આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જે બાદ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીની ફરિયાદ પરથી મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો હતો.




