મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GODHRA : કાજીવાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીના મોત મામલે આચાર્ય સહિત 3 શિક્ષકો સસ્પેન્ડ, આખો સ્ટાફ ફરજ મોકૂફ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલી કાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ-8ની વિદ્

GODHRA : કાજીવાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીના મોત મામલે આચાર્ય સહિત 3 શિક્ષકો સસ્પેન્ડ, આખો સ્ટાફ ફરજ મોકૂફ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલી કાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ-8ની વિદ્યાર્થિની શાળાના વર્ગખંડમાં જ કોઈ જ્વલનશીલ પ્રવાહીથી ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ વિદ્યાર્થિનીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જેમાં 35 દિવસની સારવાર બાદ ગઈકાલે 21 સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. 

આ મામલે બાળકીના માતાપિતાએ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો પર બેદરકારીના આરોપ લગાવ્યાં હતા. શાળાના આચાર્ય જયશ્રી પટેલ સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે શાળામાં બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર કેસમાં પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરતા કાજીવાડા પ્રાથમિક શાળાના આચાર્ય  જયશ્રી પટેલ સહિત 3 શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ શાળાના આખા સ્ટાફને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે. 

16 ઓગષ્ટે શાળાના વર્ગખંડમાં દાઝી હતી વિદ્યાર્થિની

કાજીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યની બેદરકારીને કારણે 16 ઓગષ્ટે ધોરણ-8માં અભ્યાસ કરતી  આ વિદ્યાર્થિની શાળાના વર્ગખંડમાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શાળાના વર્ગખંડમાં બેદરકારીથી મુકેલા સેનેટાઈઝરથી આ બાળકી દાઝી હતી. 

શિક્ષકોએ સારવાર માટે નાણા આપવાની ના પાડી 

દાઝી ગયેલી વિદ્યાર્થિનીની સારવારની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાના શિક્ષકોને સોંપી હતી. ગોધરાની હોસ્પિટલમાં વિદ્યાર્થિનીની તબિયતમાં સુધારો ન થતા તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. 

શાળાના શિક્ષકોએ થોડા નાણા બાળકીના પરિવારને આપ્યા હતા, બાદમાં ખાનગી હોસ્પિટલમાં બાળકીને સારવાર માટે મૂકીને ભાગી ગયા હતા. પરિવારે સારવાર માટે વધુ નાણાની જરૂર હોવાની શિક્ષકોને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ શિક્ષકોએ સારવાર માટે નાણા આપવાની ના પાડી હતી. અંતે નાણાના અભાવે યોગ્ય સારવાર ન મળતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ થયા હતા. 

પરિવારજનોએ જવાબદાર શિક્ષકો સામે ફરિયાદ નોંધાવી

વિદ્યાર્થિનીના પરિવારજનોએ જવાબદાર શિક્ષકો સામે રોષ વ્યક્ત કર્યો હતો અને શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ અને FSLની ટીમે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

વિદ્યાર્થિનીના મોત બાદ શાળાને તાળા મારી દેવાયા

સમગ્ર ઘટનાને લઈને ખાતાકીય તપાસ બાદ શાળાના શિક્ષકોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત થતા, શાળાના આચાર્ય દ્વારા શાળાનો પ્રવેશદ્વાર અંદરથી બંધ કરીને તાળા મારી દેવામાંઆવ્યાં હતા, જેને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

આ સમાચાર શેર કરો