VIDEO: કોણ છે બિંદિયા સોમપુરા? જેનો સચિવાલયમાં પોલીસની જીપ સાથેનો વીડિયો થયો વાયરલ; હાઈ-સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે મળી એન્ટ્રી?
VIDEO: ગુજરાતનું હૃદય ગણાતા અને જબરી સુરક્ષા ધરાવતા પાટનગર ગાંધીનગરના સચિવાલયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિંદિયા સોમપુરા નામની એક યુવતીના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટોએ સચિવાલયની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. આ યુવતી સચિવાલયના પ્રતિબંધિત વિસ્તારમાં પોલીસની સરકારી ગાડીમાં બેસીને 'સીન સપાટા' કરતી જોવા મળી રહી છે.
મંત્રીઓ સાથેની તસવીરોએ મચાવી ચકચાર
માત્ર પોલીસની ગાડી જ નહીં, પરંતુ બિંદિયા સોમપુરાએ રાજ્યના નામી મંત્રીઓ સાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. જેમાં મંત્રી રીવાબા જાડેજા, સ્વરૂપજી અને જયરામ ગામિત સાથેની તસવીરો જોવા મળી રહી છે. હાઈ-સિક્યોરિટી ઝોનમાં સામાન્ય નાગરિકોને એન્ટ્રી માટે અનેક તપાસમાંથી પસાર થવું પડે છે, ત્યારે આ યુવતી મંત્રીઓ સુધી કેવી રીતે પહોંચી અને પોલીસની ગાડીનો ઉપયોગ રીલ્સ બનાવવા માટે કેવી રીતે કર્યો તે રહસ્ય ઘેરાયું છે.
પોલીસ વ્યવસ્થામાં મોટો ભંગ કે અંદરથી મદદ?
આ ઘટના બાદ સચિવાલયની સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો અને અધિકારીઓ સામે આંગળી ચીંધાઈ રહી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ યુવતીને કોઈ અંદરના વ્યક્તિ દ્વારા મદદ કરવામાં આવી હતી? પોલીસ ગાડીમાં યુવતી કેવી રીતે પહોંચી અને વીડિયો ઉતારવાની છૂટ કોણે આપી? શું આ સુરક્ષામાં મોટી ચૂક છે કે પછી સત્તાનો દુરુપયોગ? હાલમાં આ મામલે ઉચ્ચ અધિકારીઓ તપાસના આદેશ આપે તેવી શક્યતા છે.

