VIDEO: ગુજરાતમાં ઈંધણનું સંકટ માત્ર અફવા: સરકાર પાસે છે પેટ્રોલ-ડીઝલનો 'બફર સ્ટોક', મોના ખંધારે નાગરિકોને આપી મોટી ખાતરી
VIDEO: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓ વચ્ચે રાજ્ય સરકારે મૌન તોડ્યું છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી મોના ખંધારે પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઈંધણની કોઈ જ તંગી નથી.
પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ
મોના ખંધારે જણાવ્યું હતું કે, "રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. માત્ર દૈનિક જરૂરિયાત જ નહીં, પરંતુ રાજ્ય સરકારે સુરક્ષાના ભાગરૂપે 'બફર સ્ટોક' પણ જાળવી રાખ્યો છે." તેમણે નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી ખોટી માહિતીથી પ્રેરાઈને પેટ્રોલ પંપ પર ભીડ ન કરે.
IOCL અને સપ્લાય ચેઈન મજબૂત
આ મામલે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના સ્ટેટ નોડલ ઓફિસર સંજીવ બહેરાએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ખાતરી આપી છે કે ડેપો અને રિફાઈનરી લેવલે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે કાર્યરત છે. કોઈ પણ સ્થળે ઈંધણનો પુરવઠો ખોરવાયો નથી અને આગામી દિવસોમાં પણ પૂરતો જથ્થો મળતો રહેશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેટલીક જગ્યાએ પેનિક બાઈંગ (ગભરાટમાં આવીને ખરીદી)ને કારણે કૃત્રિમ ભીડ જોવા મળી રહી છે. નાગરિકોએ પત્રકારત્વ અને સરકારના સત્તાવાર માધ્યમો દ્વારા અપાતી માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ. ઈંધણના સપ્લાય પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે અને સ્થિતિ સંપૂર્ણપણે અંકુશ હેઠળ છે.

