કમલમમાં મુખ્યમંત્રીએ મંચ પરથી વાત કરીકે, જે અસંતુષ્ટ છે તેમને મનાવો, તેમને સંતુષ્ટ કરો

'કમલમ' ખાતે યોજાયેલા દિવાળી સ્નેહમિલનના ઉત્સવના માહોલ વચ્ચે મુખ્યમંત્રીએ મંચ પરથી એ વાત કરીકે, જે અસંતુષ્ટ છે તેમને મનાવો, તેમને સંતુષ્ટ કરો. જ્યાં અંધારું હોય ત્યાં દીપક પ્રગટાવો, લોકોનો પ્રેમ જીતીએ અને રાજ્યની જનતાએ મૂકેલા વિશ્વાસને વધુ મજબૂત કરીએ. મુખ્યમંત્રીના આ આડકતરા સંદેશને રાજકીય વર્તુળોમાં ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, ખુદ મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી અસંતોષ દૂર કરવાની ટકોર કરવી પડી તે જ દર્શાવે છે કે ભાજપ અને સરકારની અંદર બધું સમૂસૂતરું નથી.
વર્તમાન સમયમાં સરકાર સામે ચોતરફથી નારાજગીના સૂર
રાજકીય પંડિતોનું માનવું છે કે, વર્તમાન સમયમાં સરકાર સામે ચોતરફથી નારાજગીના સૂર ઊઠી રહ્યા છે. વિવિધ કૃષિ પ્રશ્નો અને સહાયના મુદ્દે રાજ્યનો ધરતીપુત્ર સરકારથી ભારોભાર નારાજ છે. પડતર માગણીઓ ન સંતોષાતા સરકારી કર્મચારીઓનો મોટો વર્ગ પણ સરકારની નીતિઓથી ખુશ નથી. આસમાને પહોંચેલી મોંઘવારી, વધતી બેરોજગારી અને કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ જેવા મુદ્દાઓને લઈને સામાન્ય નાગરિકો પણ હવે સરકારથી મોં ફેરવીને બેઠા છે.
ભાજપમાં જૂથવાદ અને ખેંચતાણ ચરમસીમાએ : નેતાઓને ડેમેજ કંટ્રોલ કરવા સંદેશ
માત્ર પ્રજા જ નહીં, પરંતુ ખુદ ભાજપ સંગઠનની અંદર પણ આંતરિક વિખવાદ અને ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. કાર્યકરોની અવગણના અને નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે સંગઠનમાં ઊભો થયેલો અસંતોષ આગામી સમયમાં પક્ષને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ તમામ પરિસ્થિતિઓને પામી ગયેલા મુખ્યમંત્રીએ દિવાળી સ્નેહમિલનના બહાને નેતાઓને 'ડેમેજ કંટ્રોલ' કરવા અને નારાજ વર્ગોને મનાવી લેવા માટે લાલબત્તી ધરી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ટૂંકમાં, મુખ્યમંત્રીએ પક્ષના નેતાઓને માત્ર પક્ષમાં જ નહીં, પણ લોકો વચ્ચે જઈને અસંતોષ ખાળવા વિનંતી કરી હતી. આ બધું જ વર્તમાન ડામાડોળ રાજકીય પરિસ્થિતિનો અંદાજ આપી રહી છે.










