કમલમમાં નેતાઓનો લેવાયો ઉધડો, માત્ર ફરો નહીં લોકો વચ્ચે જઈ સંગઠન મજબૂત કરો

કમલમમાં નેતાઓનો લેવાયો ઉધડો,  માત્ર ફરો નહીં  લોકો વચ્ચે જઈ સંગઠન મજબૂત કરો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પ્રદેશ ભાજપ મુખ્યાલય 'કમલમ' ખાતે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ પૂર્વે ભારતીય જનતા યુવા મોરચાની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુગ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં યુવા મોરચાના હોદ્દેદારોનો ઉધડો લેતા સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે, માત્ર ઝભ્ભા પહેરીને ફરવાને બદલે જમીની સ્તરે લોકો વચ્ચે જઈને સંગઠનને મજબૂત કરો.

10 થી 12 જેટલા જિલ્લા પ્રમુખો ગેરહાજર રહ્યા

પ્રદેશ મુખ્યાલય 'કમલમ' ખાતે યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠક હોવા છતાં 10 થી 12 જેટલા જિલ્લા પ્રમુખો ગેરહાજર રહ્યા હતા. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં યુવા પાંખના પ્રમુખોની આ ઉદાસીનતાની પ્રદેશ નેતૃત્વએ ગંભીર નોંધ લીધી છે અને આગામી દિવસોમાં આ મામલે જવાબ માંગવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.

જાહેરાત

મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા સરકાર અને ચૂંટણી પંચ સામે જે રીતે આક્રમક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તેને ખાળવા માટે ભાજપે હવે યુવા મોરચાને મેદાને ઉતારવાનો તખ્તો તૈયાર કર્યો છે. બેઠકમાં યુવા નેતાઓને 'સર' (SIR) મુદ્દે વિપક્ષના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપવા અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા રણનીતિ સોંપવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાતની દરેક વિધાનસભા બેઠક પર 'યુવા સંવાદ' કાર્યક્રમનું આયોજન થશે.

આ મંચ પરથી યુવાનો સાથે સીધી વાતચીત કરીને 'સર' પ્રક્રિયા શું છે, તેનો મુખ્ય હેતુ શું છે અને તેની કામગીરી કેવી રીતે ચાલે છે તેની સમજ આપવામાં આવશે. યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો સ્કૂલો અને કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને 'સર' અંગે જાગૃત કરશે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતાઓની આ કડક ટકોર બાદ ભાજપની યુવા પાંખ માત્ર સોશિયલ મીડિયા પૂરતી સીમિત રહે છે કે ખરા અર્થમાં મેદાનમાં ઊતરીને વિપક્ષના આક્રમણને ખાળવામાં સફળ રહે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત