ગાંધીનગરમાં રાજસ્થાન ટુરિઝમના ચેરમેન પદના નામે ₹૧.૧૦ કરોડનું ફ્રોડ, પૈસા પાછા માંગતા જીવલેણ હુમલો
ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં ૧ કરોડ ૧૦ લાખ રૂપિયાના ફ્રોડ અને લોહિયાળ ખેલની ચકચારી ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં એક વ્યક્તિને રાજસ્થાન ટુરિઝમના ચેરમેન બનાવવાની લાલચ આપીને મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ રાઠોડે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ કેસમાં આરોપીઓએ કુલ ૧૦ કરોડથી વધુની રકમની માંગણી કરી હોવાનો પણ ખુલાસો થયો છે. જો કે, ફરિયાદીએ જ્યારે પોતાના ૧.૧૦ કરોડ રૂપિયા પાછા માંગ્યા, ત્યારે આરોપી મહેન્દ્રસિંહ અમદાવાદથી હથિયારો સાથે ૧૦ ભાડૂતી ગુંડાઓને ગાંધીનગર લાવ્યો હતો અને ફરિયાદી પર તૂટી પડ્યો હતો. આ હિંસક અને જીવલેણ હુમલામાં રોહિતભાઈ પટેલ અને મધ્યસ્થી કરનાર ભરતસિંહ ચંદાવતને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં ભરતસિંહની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગાંધીનગર પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક (DySP) ડી.ટી. ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્ફોસિટી પોલીસે રાતોરાત સપાટો બોલાવીને મુખ્ય સૂત્રધાર મહેન્દ્રસિંહ રાઠોડ સહિત તમામ ૧૧ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસને આશંકા છે કે આ એક મોટું આંતરરાજ્ય કૌભાંડ હોઈ શકે છે, જે દિશામાં હાલ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

