ભાદરવી તાપ વચ્ચે ગુજરાતમાં મેઘમહેર! 47 તાલુકામાં વરસાદ, ભુજમાં 39.5 ડિગ્રીનો ધગધગતો પારો

ગુજરાતમાં ચોમાસાની વિદાય નજીક આવી રહી છે ત્યારે એક તરફ ભાદરવા મહિનાની આકરી ગરમી અને બફારાએ લોકોની હાલાકી વધારી છે, તો બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના ઊના અને અમરેલીના રાજુલામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
ભુજમાં તાપમાન 39.5 ડિગ્રી, ગરમીથી લોકો પરેશાન
ભાદરવી તાપનો પ્રકોપ સતત અનુભવાઈ રહ્યો છે. બુધવાર, 23 સપ્ટેમ્બરે ભુજમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગરમી અને બફારાના કારણે લોકો દિવસ દરમિયાન પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા હતા.
રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન ઊંચું રહ્યું હતું. અમદાવાદમાં 36.2 ડિગ્રી, રાજકોટમાં 37.5 ડિગ્રી, સુરતમાં 34.3 ડિગ્રી, વડોદરામાં 36.4 ડિગ્રી, ભાવનગરમાં 36.8 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી અને કંડલામાં 36.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ઊનામાં 2.72 ઈંચ તો રાજુલામાં 2.60 ઈંચ વરસાદ
ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ પણ હાજરી નોંધાવી હતી. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના ઊના તાલુકામાં સૌથી વધુ 2.72 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ અમરેલીના રાજુલામાં 2.60 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 2.36 ઈંચ, નવસારીમાં 2.24 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત રાજ્યના અન્ય 42 તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી.
ગુજરાતમાં અત્યાર સુધી 89 ટકા વરસાદ
ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 810 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ રાજ્યના વાર્ષિક સરેરાશ વરસાદના આશરે 89 ટકા જેટલો છે. પ્રદેશવાર સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ 114 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
પૂર્વ-મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી 89 ટકા, સૌરાષ્ટ્રમાં 71.25 ટકા અને ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં સૌથી ઓછો 57.60 ટકા વરસાદ થયો છે.
આગામી 24 કલાકમાં ફરી વરસાદની શક્યતા
ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું હોવા છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ અનેક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટ યથાવત રહેવાની શક્યતા હોવાથી લોકોને બફારા સાથે વરસાદની બેવડી અસરનો સામનો કરવો પડી શકે છે.

