મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકો દંડાશે, સરકાર લાવશે બિલ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1972 (1973માં પસાર થયેલ)ના 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બિલ'માં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ સુધારા બિલને વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે. નવા સુધારા બિલ મુજબ, મંજૂરી (બોર્ડ રજિસ્ટ્રેશન) વિના ચાલતી સ્કૂલો તેમજ પૂર્વ મંજૂરી કે બોર્ડને જાણ કર્યા વગર જ બંધ કરી દેવાતી સ્કૂલો સામે દંડની રકમમાં મોટા પાયે વધારો કરવા સહિતની કડક જોગવાઈઓ કરવામાં આવી છે. આ બિલ પસાર થઈને અમલમાં આવ્યા બાદ નવી તમામ જોગવાઈઓ લાગુ થઈ જશે.
રજિસ્ટ્રેશન વગર સ્કૂલ ચલાવવા બદલ રૂ. 10થી 15 લાખનો દંડ અને સજા
નવા સુધારા બિલમાં દંડની રકમમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડમાં નોંધણી કરાવ્યા વિના સ્કૂલ ચલાવનારા સંચાલકોને હવે રૂ. 10થી 15 લાખ સુધીનો દંડ અને 1થી 2 વર્ષની જેલની સજા થશે, જ્યારે અગાઉ માત્ર રૂ. 1થી 2 લાખ સુધીના દંડની જ જોગવાઈ હતી અને જેલની સજા નહોતી. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની રીતે આચાર્ય કે શિક્ષકોની ગેરકાયદે નિમણૂંક કરવા બદલ દંડની રકમ રૂ. 10 હજારથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે.
નિયમ મુજબ સ્કૂલ બંધ કરવા માટે સંચાલકે બોર્ડને 6 મહિના અગાઉ નોટિસ આપીને મંજૂરી લેવાની હોય છે. હવે નોટિસ કે પૂર્વ મંજૂરી આપ્યા વિના સ્કૂલ બંધ કરનાર સંચાલકને રૂ. 20 લાખ સુધીનો દંડ અને જેલની સજાની જોગવાઈ કરાઈ છે, જે દંડ અગાઉ માત્ર રૂ. 1 હજાર હતો. આ સાથે જ શિક્ષકો અને કર્મચારીઓના રક્ષણ માટે પણ જોગવાઈ કરાઈ છે; જે મુજબ સંચાલકો કોઈ શિક્ષક કે આચાર્યને વ્યાજબી કારણ વિના સસ્પેન્ડ નહીં કરી શકે અને આ અંગે બોર્ડે 45 દિવસમાં નિર્ણય લેવાનો રહેશે. આ બિલમાં બોર્ડના ચૂંટાયેલા સભ્યોને લઈને પણ ફેરફારો કરાયા છે.
ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાર્કની ભરતીના નિયમો અને પદ્ધતિ સરકાર ઘડશે
ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી માટે સરકારે કેન્દ્રીયકૃત પદ્ધતિ નક્કી કરીને સંચાલકો પાસેથી સત્તા અગાઉ જ લઈ લીધી હતી. પરંતુ હવે ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટા પાયે ક્લાર્કની જગ્યાઓ ખાલી હોવાથી સ્પેશ્યલ એજ્યુકેટર્સ ઉપરાંત વર્ગ-3ના કર્મચારીઓ (ક્લાર્ક એટલે કે બિનશૈક્ષણિક સ્ટાફ)ની ભરતીના નિયમો, પસંદગી પદ્ધતિ, કાર્યરીતિ અને લાયકાતો નક્કી કરવાની તમામ સત્તા પણ સરકાર હસ્તક રહેશે.
સુધારા બિલમાં સ્પેશ્યલ એજ્યુકેટર્સનો સમાવેશ અને નવો દરજ્જો
વર્ષ 1972ના મૂળ અધિનિયમમાં સ્પેશ્યલ એજ્યુકેટર્સનો કોઈ ઉલ્લેખ નહોતો, પરંતુ નવા સુધારા બિલમાં દિવ્યાંગો માટેના સ્પેશ્યલ એજ્યુકેટર્સ (ખાસ શિક્ષકો)ની ભરતી, લાયકાત અને નિમણૂંક સહિતની તમામ બાબતો આવરી લેવાઈ છે. આ સિવાય, 1972ના બિલમાં ગ્રાન્ટેડ સ્કૂલોને 'ખાનગી સ્કૂલો' તરીકે ગણવામાં આવતી હતી, પરંતુ હવે નવા સુધારા બિલ દ્વારા સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોને આ અધિનિયમના કાર્યક્ષેત્રમાં લાવીને તેમને 'ખાનગી'ને બદલે 'સરકાર સહાયિત' સ્કૂલો તરીકે ગણવાની સ્પષ્ટ જોગવાઈ કરી છે.

