VIDEO: અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ભવિષ્યવાણી, ક્રૂડ ઓઈલમાં ઉછાળો
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે મિડલ ઈસ્ટમાં સ્થિતિ સતત વણસી રહી છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનું જોખમ ઉભું થયું છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 97 ડૉલરને પાર પહોંચી ગઈ છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન સામે અમેરિકાની જીત બાદ ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં મોટો કડાકો બોલશે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની મોટી આગાહી: ગેસ અને ઓઇલના ભાવ ક્રેશ થશે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને વધતી ઊર્જાની કિંમતોને મિડલ ઈસ્ટના સંઘર્ષ સાથે જોડી છે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાનો વિજય થશે અને ત્યાર બાદ બજાર ફરી સ્થિર થઈ જશે. ટ્રમ્પે લખ્યું કે, 'ઈરાન સામે યુદ્ધ જીત્યા પછી ઓઇલની કિંમતો ઝડપથી નીચે આવશે. ગેસની કિંમત ઘટીને 3 ડૉલર પ્રતિ ગેલન થશે અને અંતે તે 2 ડૉલર પ્રતિ ગેલનથી પણ નીચે આવી જશે.' આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ બધું ખૂબ ઝડપથી થશે અને ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર વિકસાવવા દેવામાં આવશે નહીં.
બીજી તરફ, અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક સંકટના કારણે ઈરાને પોતાના સૌથી મોટા ગેસ ગ્રાહકો માટે કિંમતોમાં વધારો કરી દીધો છે. અહેવાલો મુજબ, ઈરાન દ્વારા કરવામાં આવેલો આ બીજો ભાવવધારો છે. નવા નિયમ અનુસાર, 110 લીટર (29 ગેલન)ના માસિક ક્વોટાથી વધુ ઈંધણ ખરીદનાર ગ્રાહકોએ પ્રતિ લીટર 1,00,000 રિયાલ ચૂકવવા પડશે, જે ડિસેમ્બરની સરખામણીએ બમણી રકમ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં ઉછાળો
હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 97.55 ડૉલર પ્રતિ બેરલ અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડની કિંમત લગભગ 93 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ સિવાય મરબાન ક્રૂડ (Murban Crude) પણ 3.40 ટકાના ઉછાળા સાથે 107 ડૉલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ગેસની કિંમત 3 ડૉલર પ્રતિ ગેલન આસપાસ પહોંચી ગઈ છે.

