ગુજરાત સરકારનો મોટો નિર્ણય: BLO અને BLO સુપરવાઇઝરો માટે વિશેષ વન-ટાઇમ ભથ્થાની જાહેરાત

ગુજરાતમાં ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) ની કામગીરીમાં રાત-દિવસ એક કરતા બૂથ લેવલ ઓફિસર (BLO) અને BLO સુપરવાઇઝરો માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના નાણાં વિભાગની લીલી ઝંડી મળ્યા બાદ, સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનો સત્તાવાર લેખિત ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યભરના હજારો ફિલ્ડ કર્મચારીઓને મોટું આર્થિક પ્રોત્સાહન મળશે.
નિયમિત વાર્ષિક વેતન ઉપરાંત મળશે વધારાનું 'બોનસ'
જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ મુજબ, આ વિશેષ વન-ટાઇમ ભથ્થું કર્મચારીઓને દર વર્ષે મળતા નિયમિત વાર્ષિક માનદ વેતન ઉપરાંત આપવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI)ના નિયમો અનુસાર, BLO માટે વાર્ષિક માનદ વેતન રૂ. 12,000 અને BLO સુપરવાઇઝર માટે રૂ. 18,000 નક્કી થયેલું છે, જે તેઓને મળવાપાત્ર રહેશે જ. આ નિયમિત વેતનની સાથે હવે સરકારે જાહેર કરેલું ખાસ ભથ્થું પણ ઉમેરીને આપવામાં આવશે, જેથી કર્મચારીઓને બેવડો આર્થિક લાભ થશે.
કોને કેટલો લાભ મળશે?
બૂથ લેવલ ઓફિસર (BLO): રૂ. 4,000/- (વન-ટાઇમ વિશેષ ભથ્થું)
BLO સુપરવાઇઝર: રૂ. 6,000/- (વન-ટાઇમ વિશેષ ભથ્થું)
કામગીરીની સઘન સમીક્ષા બાદ સીધા ખાતામાં જમા થશે રકમ
આ ચુકવણું મેળવવા માટે મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા તમામ કર્મચારીઓની કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવશે. કર્મચારીએ બજાવેલી ફરજના દિવસો અને તેમની કામગીરીની ગુણવત્તા ચકાસ્યા બાદ જ ચૂકવણીનો આખરી નિર્ણય લેવાશે. લાયકાત ધરાવતા અને સક્રિય કર્મચારીઓનું વાર્ષિક માનદ વેતન અને આ વિશેષ ભથ્થાની રકમ બંને એકીસાથે તેમના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના આ સત્તાવાર નિર્ણયથી ફિલ્ડ સ્ટાફની મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થયું છે, જેના કારણે આગામી સમયમાં મતદાર યાદી સુધારણાની કામગીરી વધુ સચોટ અને વેગવંતી બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.

