VIDEO: ભાવનગરમાં કોંગ્રેસમાં જોડાયાના માત્ર 3 કલાકમાં જ પૂર્વ કોર્પોરેટરની ભાજપમાં 'ઘરવાપસી', કહ્યું- 'હું ભરમાઈ ગઈ હતી'
ભાવનગરના રાજકારણમાં ભારે રસાકસી વચ્ચે એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આજ


ભાવનગરના રાજકારણમાં ભારે રસાકસી વચ્ચે એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આજે(6 એપ્રિલ) ભાજપના વડવા 'બ' વોર્ડના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યાના ગણતરીના કલાકોમાં જ ફરી કેસરીયો ધારણ કરી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. કોંગ્રેસે જ્યારે પોતાનું ચૂંટણીલક્ષી મેનિફેસ્ટો જાહેર કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો, તે દરમિયાન જ સેજલબેન ગોહેલ કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ તેમનો કોંગ્રેસનો કાર્યકાળ લાંબો સમય ચાલ્યો નહીં અને માત્ર 3 કલાકમાં જ તેમણે ભાજપમાં ઘરવાપસી કરી લીધી.
મને ભોળવીને કોંગ્રેસમાં લઈ જવાઈ: સેજલબેન ગોહેલ
ભાજપમાં પરત ફર્યા બાદ સેજલબેન ગોહેલે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમને લાલચ આપીને અને ભોળવીને કોંગ્રેસમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ મને તરત જ મારી ભૂલ સમજાઈ એટલે હું પરત ભાજપમાં જોડાઈ. હું ભરમાઈ ગઈ હતી, પણ ભાજપ મારો પરિવાર છે અને મને મારી ભૂલનો અહેસાસ થતાં જ ઘરવાપસી કરવાનો નિર્ણય લીધો છે.
ભાજપ દબાણનું રાજકારણ કરી રહી છે: કોંગ્રેસ
બીજી તરફ, કોંગ્રેસે આ મામલે ભાજપ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપે દબાણનું રાજકારણ કરી રહી છે અને પૂર્વ કોર્પોરેટરને ડરાવી-ધમકાવીને પરત ખેંચ્યા છે. તેઓ ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને અમે તેમને ક્યારેય બોલાવવા ગયા નથી. તેઓ સામેથી કોંગ્રેસ કાર્યાલય આવ્યા હતા કે, અમારે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવું છે.
આ સમગ્ર ઘટનાક્રમે ભાવનગરના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ '3 કલાકના પક્ષ પલટા' વિશે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ભાજપે સેજલબેન ગોહેલનું પક્ષમાં પુનઃ સ્વાગત કરીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.




