નવસારીમાં પ્રથમ વરસાદે જ પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા, નાગતલાવડીના ૧૨થી વધુ ઘરોમાં ભરાયા પાણી
નવસારી શહેરમાંથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્ય

નવસારી શહેરમાંથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચોમાસાની શરૂઆતમાં જ વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરમાં સવારથી પડેલા માત્ર બે ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં જ નાગતલાવડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મેઘરાજાની એન્ટ્રી સાથે જ પાલિકાની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં નાગતલાવડી વિસ્તારના આશરે ૧૨ જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોનો ઘરવખરીનો કિંમતી સામાન પલળી ગયો છે અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.આ પરિસ્થિતિને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો ગંભીર આક્ષેપ છે કે આ સમસ્યા કોઈ નવી નથી, દર વર્ષે ચોમાસામાં અહીં આ જ નરકાગાર જેવી સ્થિતિ સર્જાય છે. આ બાબતે નવસારી મહાનગરપાલિકામાં અગાઉ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચ્યો નથી અને પરિણામ હંમેશા શૂન્ય જ આવ્યું છે.




