AHMEDABAD : વસ્ત્રાલમાં પિતાએ પાંચ વર્ષની પુત્રીની હત્યા કરી, પોલીસે કરી ધરપકડ
Ahmedabad News : અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના બની છે. ધનતેરસના દિવસે જ્ય

Ahmedabad News : અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના બની છે. ધનતેરસના દિવસે જ્યારે દેશભરમાં મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ત્યારે લક્ષ્મી સમાન ગણાતી દીકરીની પિતાએ હત્યા કરી નાખી છે. જોકે હત્યા કર્યા બાદ પણ પિતાને સહેજ પણ અફસોસ ન હોય તેમ પોલીસ સમક્ષ પોતે હાજર થયો છે.
સંતાન ન થતું હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા
રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં વિનાયક સોસાયટીમાં આ સમગ્ર બનાવ આજે વહેલી સવારે બન્યો હતો. સોસાયટીમાં રહેતા આશાબેન કુશવાહના લગ્ન 20 વર્ષ પહેલાં સમાજના રિવાજ મુજબ દિલીપ કુશવાહ સાથે થયા હતા. લગ્નના લાંબા સમય સુધી તેઓને સંતાન ન થતા હતા. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
પિતાને શંકા હતી કે આ પુત્રી તેની નથી
થોડાક વર્ષો પહેલા મેડિકલ સારવાર થકી તેઓને પુત્રીનો જન્મ થયો હતો. જોકે દિલીપ કુશવાહને દીકરી પોતાની ન હોય તેવી અવારનવાર શંકા થતી હતી જેના કારણે તે પત્ની સાથે ઝઘડો કરતો હતો અને છેલ્લા પાંચ મહિનાથી પત્ની અને પુત્રીને તરછોડીને અલગ જગ્યાએ રહેતો હતો.
લોખંડના પાઇપથી હુમલો કરતા પુત્રીનું સ્થળ પર મોત
મંગળવારે સવારના સમયે દિલીપ કુશવાહ ઘરે આવ્યો હતો અને તે દરમિયાન પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારે આવેશમાં આવીને તેણે પાંચ વર્ષની પુત્રી ધરા ઉર્ફે પરી અને પત્ની આશા પર લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. જેથી સ્થળ પર જ પાંચ વર્ષની પુત્રીનું મોત નીપજ્યું હતું.
પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી
આ ઘટનાની જાણ થતા રામોલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી તે દરમિયાન જ આરોપી દિલીપ કુશવાહ રામોલ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. રામોલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.








