ભાજપના નવા સંગઠનમાં ભડકો, ગઈકાલે પ્રમુખ નિયુક્ત થયા ને આજે ધર્યું રાજીનામુ
ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ અને શહ

ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરોમાં પ્રમુખની નિમણૂક કરી છે. એવામાં ભાજપમાં ક્યાંક જિલ્લા પ્રમુખ નિમણૂકના બીજા જ દિવસે રાજીનામુ આપી દે છે તો ક્યાંક મંડળમાં પ્રમુખ પદે નિમણૂકને લઇને વિવાદ ચાલુ થઇ ગયો છે.
રાજકોટમાં નવનિયુક્ત પ્રમુખનું નિમણૂકના બીજા જ દિવસે રાજીનામું
રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરના ભાજપના નવનિયુક્ત પ્રમુખે રાજીનામુ ધરી દીધું છે. ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પ્રતીક વોરાએ અચાનક જ રાજીનામુ આપી દેતા મંડળમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક ઉઠવા લાગ્યા હતા.
ઉપલેટા શહેરની ભાજપ મવડી મંડળ દ્વારા ગઈકાલે પ્રમુખની નિયુક્તિ કરાઈ હતી અને આજે ઓચિંતા જ રાજીનામુ ધરી દીધું છે. રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે પોતાના વ્યવસાયિક અને પારિવારિક કારણોસર મંડળે સોંપેલી જવાબદારી નિભાવી શકે તેમ નથી.
આ પણ વાંચો : અમદાવાદ: વટવા ભાજપ મંડળમાં પ્રમુખ પદની નિમણૂકને લઇને વિવાદ
વટવા ગ્રામ્ય ભાજપ મંડળ પ્રમુખને લઇને વિવાદ
અમદાવાદ જિલ્લાના વટવા ગ્રામ્ય મંડળમાં પ્રમુખ પદે કુંજન સિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. કુંજન સિંહ સામે ભૂતકાળમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. કુંજનસિંહ ચૌહાણના પત્ની જિલ્લા પંચાયતમાં સભ્ય છે. આ પહેલા જમીન વિવાદોમાં પણ કુંજન સિંહ ચૌહાણની સંડોવણી સામે આવી હતી.જોકે, આ મામલે ભાજપ હાઇકમાન્ડને જાણ કરાઇ છે કે નહીં તેને લઇને હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. મંડળમાં નિમણૂકને લઇને ભાજપમાં વિવાદો ચાલી રહ્યાં છે ત્યારે વટવામાં પણ આગામી સમયમાં ભાજપનો આંતરિક અસંતોષ બહાર આવે તેવું સુત્રો જણાવી રહ્યાં છે.
અરવલ્લીમાં પણ થયો વિવાદ
ગુજરાત પ્રદેશ ભાજપ નવા સંગઠનમાં મંડળ પ્રમુખોની નિમણૂક કરી રહ્યું છે. 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં 41 જિલ્લાકક્ષાના સંગઠનોમાં પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં ભાજપ મંડળ પ્રમુખની નિમણૂકમાં વિવાદ ઉભો થયો છે. અરવલ્લી જિલ્લામાં ધનસુરામાં અવધેશ પટેલની જગ્યાએ કૌશિક પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના મંડળોમાં પણ નવા પ્રમુખની પસંદગીને લઇને આંતરકલહ સપાટી ઉપર આવ્યો છે.








