જર્જરિત હાટકેશ્વર બ્રિજ બન્યો ભાજપ માટે માથાનો દુ:ખાવો, ગાંધીનગરથી મંજૂરીની જોવાઈ રહી છે રાહ
અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો હાટકેશ્વર બ્રિજ હાલ સત્તાધારી પક્ષ BJP માટે માથાનો દુખ

અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો હાટકેશ્વર બ્રિજ હાલ સત્તાધારી પક્ષ BJP માટે માથાનો દુખાવો બન્યો છે. લગભગ અઢી વર્ષ પહેલા બનેલા આ બ્રિજ ભ્રષ્ટાચારના પગલે ખખડધજ બન્યો હતો. જેને પગલે બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો જએનો ખર્ચ બ્રિજ બનાવવાના ખર્ચ કરતાં પણ વધુ હતો. હાલ આ બ્રિજને લઈને સતત વિવાદ થતો હોવાથી ગાંધીનગરથી બ્રિજ અંગેના આદેશ મળવાની રાહ જોવામાં આવી રહી છે.
કંપનીએ 100 વર્ષના બ્રિજના આયુનો દાવો કર્યો હતો
આ જર્જરિત હાટકેશ્વર બ્રિજ વર્ષ 2017માં અજય ઈન્ફ્રા નામની કંપની દ્વારા રૂપિયા 42 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ત્યારે અજય ઈન્ફ્રાએ દાવો કર્યો હતો કે આ બ્રિજની આયુ 100 વર્ષ હશે. પરંતુ તેના નિર્માણના 5 વર્ષ બાદ જ આ બ્રિજ ખખડધજ બનતા તેની મજબૂતાઈ પર સવાલો ઉઠયા હતા. જેને લઈને તંત્ર દ્વારા આ બ્રિજની સ્ટેબિલિટી ટેસ્ટ કારવવાઓ પડ્યો હતો.
વિવિધ એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચારનો અહેવાલ રજૂ કર્યો હતો
સ્ટેબલિટી ટેસ્ટ કરાવ્યા બાદ વિવિધ એજન્સીઓ દ્વારા બ્રિજને લઈને અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઈને આ પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જે બાદ આ પુલને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને હોબાળો થતાં હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી.
બ્રિજને લઈને ચાર વખત ટેન્ડર બહાર પડાયો હતો
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા જર્જરિત હાટકેશ્વર બ્રિજ છેલ્લા બે વર્ષથી બંધ છે. જેને તોડી પાડવા માટે તંત્ર દ્વારા ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ ત્રણ ટેન્ડરમાં કોઈ કંપની દ્વારા આ જર્જરિત બ્રિજને તોડવા કોઈ પ્રકારનો રસ દાખવવામાં આવ્યો નહોતો. જ્યારે આખરે ચોથી વખત સમગ્ર પ્રક્રિયા પસાર કર્યા બાદ ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં એક રાજસ્થાનની કંપની રૂપિયા 52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલને તોડી પાડવાની તૈયારી દર્શાવી હતી.
બ્રિજ બન્યો સત્તાધારી પક્ષ માટે માથાનો દુ:ખાવો
હાલ જર્જરિત હાટકેશ્વર બ્રિજ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો સાબિત થયો છે. સૂત્રો અનુસાર બ્રિજ અંગે ગાંધીનગરથી આદેશની રાહ જોવાઈ રહી છે. ગાંધીનગરથી સુચના મળ્યા બાદ આ દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ 108 કરોડના ખર્ચે બ્રિજ તોડી નવો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ અંગેની ફાઈલ હજુ મંજૂરી માટે મૂકવામાં આવી નથી. આ હાટકેશ્વર મુદ્દે સતત વિવાદ થતો હોવાથી ગાંધીનગરથી મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં આ કામ મંજૂરી માટે મૂકવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.








