પોતાના જ અપહરણનો કારસો રચી રત્નકલાકારે પિતાને કર્યો ફોન, સુરતની આ ઘટના જાણી વિચારમાં પડી જશો..
સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા રત્નકલાકારને દીકરાનું અપહરણ કરી લેવાયો હોવાનો ફોન આવ્યો હત

સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા રત્નકલાકારને દીકરાનું અપહરણ કરી લેવાયો હોવાનો ફોન આવ્યો હતો. જેથી પિતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી. પિતાએ 22 વર્ષના યુવાન દીકરાને કોઈએ અપહરણ કરીને ખંડણી માંગી હોવાની પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. જો કે, સમગ્ર ઘટના પરથી ગણતરીના કલાકોમાં જ પોલીસે પર્દાફાશ કરી લીધો હતો. જોકે સમગ્ર ઘટનામાં ખુદ પુત્રનો જ ભાંડો ખુલ્લો પડી જતાં થોડીવાર સૌ કોઈ વિચારમાં પડી ગયા હતાં.
અલગ ભાષામાં અપહરણનું કહ્યું
વેડરોડ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પિતા મહીપત સવજીભાઈ રાઠોડને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અલગ અલગ ભાષામાં ફોન કરનારે તેના રત્નકલાકાર અને તેના ભાણેજને ફોન કરીને ગૌરવ ઉર્ફે રઘાનું અપહરણ કર્યું હોવાનું કહ્યું હતું. સાથ જે તે જીવતો જોઈતો હોય તો 4 લાખ જમા કરાવવા કહ્યું હતું. ચિંતામાં મૂકાયેલા રત્નકલાકારે તુરંત ગૌરવને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી પોલીસ પાસે દોડી ગયા હતાં.
10 દિવસ અગાઉ જ સીમ કાર્ડ ખરીદેલું
પોલીસે ઘટનાની ગંભીરતા દાખવીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હતી. બાદમાં ટેક્નિકલ સર્વેલન્સના આધારે ત્રણેક કલાકમાં જ સચિન નજીક બુડીયા ખાતેથી ગૌરવ ઉર્ફે રઘાને બાઈક સાથે શોધી કાઢ્યો હતો. બાદમાં પૂછપરછમાં ગૌરવે કબૂલાત કરી કે તે જુગારમાં અઢી લાખ રૂપિયા હારી ગયો હતો. માથે દેવું થઈ જતાં આ પ્લાન ઘડ્યો હતો. જેમાં 10 દિવસ અગાઉ સીમ કાર્ડ ખરીદી તેના પરથી પિતાને ફોન કર્યો હતો. જો કે, પકડાઈ ગયેલા ગૌરવ વિરુદ્ધ પોલીસે ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








