જામનગર : પાંચ કરોડથી વધુ કિંમતની જમીન પચાવી પાડનારની લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ધરપકડ
Jamnagar News : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટીના કોમન પ્લોટની પાંચ કરોડથી વધુ કિંમતની

Jamnagar News : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટીના કોમન પ્લોટની પાંચ કરોડથી વધુ કિંમતની જમીન પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
સોસાયટીના કોમન પ્લોટની જમીન પચાવી પાડી
જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપ નામની સોસાયટીમાં રહેતા ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરીને ઓફીસ,સંડાસ-બાથરૂમ, શેડ સહિતનું બાંધકામ કરીને પાંચ કરોડથી વધુ કિંમતની જમીન પચાવી પાડવા અંગે ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા ગઈકાલે રાત્રે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા એ જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા અને લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલનો ભાઈ છે.
સોસાયટીના કોમન પ્લોટની જગ્યામાં કરેલું ગેરકાયદેસર બાંધકામ
- પોતાનું મકાન બાજુમાં જ આવેલું હોવાથી તેને અડીને કોમન પ્લોટની જગ્યામાં ફરતે સાત ફૂટ ઊંચી દીવાલ બનાવી છે.
- એલ આકારનો કોમન પ્લોટ હોવાથી તેમાં બંને સ્થળે દરવાજા અને બારી મૂકી દીધા હતા અને પોતાના તાળા મારીને તેમાંથી પ્રવેશ મેળવવાનો રસ્તો બનાવ્યો છે.
- અંદર બે મોટા શેડ ઉભા કરવામાં આવ્યા હતા, જે શેડમાં પોતે અલગ અલગ સામાન રાખ્યો છે.
- અંદર એક ઓફિસ ટાઈપનો બેઠક રૂમ બનાવ્યો હતો, જેમાં વૈભવી સુવિધાઓ રાખવામાં આવી છે.
- ઓફિસમાં ટીવી ફ્રીજ એસી સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ લગાવાયેલા છે.
- આ શેડમાં અત્યાધુનિક ટોયલેટ બાથરૂમ પણ બનાવી દેવાયા છે.
- આસપાસના વિસ્તારમાં આવનારા લોકોની તમામ જાણકારી મળી રહે તે માટે એક સાથે આઠથી દસ સીસીટીવી કેમેરાઓ પણ લગાડેલા છે.
- કોમન પ્લોટમાં દબાણ કર્યા પછી પોતાના જ ઘરમાંથી ગેરકાયદે રીતે વીજ પુરવઠો પણ મેળવી લીધો છે અને તેના દ્વારા તમામ ઇલેક્ટ્રીક ઉપકરણ ચલાવવામાં આવી છે.
કલેક્ટરના આદેશથી નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો
આ પ્રકરણમાં ઉપરોક્ત સોસાયટીમાં જ રહેતા જગદીશભાઈ રમેશભાઈ રામોલિયા દ્વારા જામનગર જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી હતી અને લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ મામલો પહોંચ્યા પછી સમિતિએ કરેલી તપાસનાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી. જેના પગલે ગઈકાલે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા સામે વિધિવત ગુનો દાખલ કરાયા પછી તેની ધરપકડ કરાઈ છે.






