મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઢાલગરવાડ બજાર બંધ, સામાન્ય બાબતે કાકા-ભત્રીજા પર હિંસક હુમલા બાદ વેપારીઓ એક જૂથ

અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં વાહન સાઇડમાં લેવા જેવી નજીવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ ક

ઢાલગરવાડ બજાર બંધ, સામાન્ય બાબતે કાકા-ભત્રીજા પર હિંસક હુમલા બાદ વેપારીઓ એક જૂથ
આ સમાચાર સાંભળો

અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં વાહન સાઇડમાં લેવા જેવી નજીવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં 17 વર્ષીય સગીર અને તેના પરિવાર પર દુકાનમાં ઘૂસીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પાનકોર નાકા નજીક થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને 5થી 7 શખસોના ટોળાએ દુકાનમાં ઘૂસી તોડફોડ મચાવી, તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી કાકા-ભત્રીજાને લોહીલુહાણ કર્યા હતા.

પાનકોર નાકા ખાતે સામાન્ય બોલાચાલીથી વિવાદ શરૂ થયો

પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર, 17 વર્ષીય અમાન પાનકોર નાકા પાસેથી મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રાફિક હોવાથી અન્ય એક મોપેડચાલકે તેને વાહન સાઇડમાં લેવા કહ્યું હતું. અમાને જગ્યા ન હોવાનું કહેતાં જ સામે વાળા શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને અમાન સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન સ્થાનિક લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ભાગી ગયા હતા. અમાને ઘરે આવીને આ અંગે પરિવારને જાણ કરી હતી.

સાંજે ટોળાએ દુકાનમાં ઘૂસી હુમલો કર્યો, મોબાઈલ તોડી નાખ્યો   આ બોલાચાલીની અદાવત રાખીને ગુરૂવારે (24મી સપ્ટેમ્બર)સાંજના સમયે ફરિયાદી મોહમંદ અમીન એહમદહુસૈનની ઢાલગરવાડ સ્થિત દુકાને અચાનક 5થી 7 શખસોનું ટોળું ઘસી આવ્યું હતું. આરોપીઓએ અમાન સાથે ઝઘડો કરી તેને માર મારવાનું શરૂ કર્યું હતું. વચ્ચે પડેલા ફરિયાદી, તેના પુત્ર આકીલ અને મિત્ર ઝહીર મન્સુરી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દુકાનમાં તોડફોડ મચાવી ઝહીરનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો.

ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ

CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટોળું દુકાનમાં ઘૂસી સગીરને ઢસડીને મારી રહ્યા છે, જ્યારે આસપાસના વેપારીઓ બચાવવા પડે છે છતાં ટોળું હુમલો ચાલુ રાખે છે. હુમલામાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં મોહમંદ અમીન અને અમાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ફરિયાદી મોહમંદ અમીનના જણાવ્યાનુસાર, હુમલો કરનારા મુખ્ય પાંચ શખસોની ઓળખ ઇરફાન વલીભાઇ ઘાંચી, રીયાજ વારીશ નુર એહમદ શેખ, નુર મોહમદ અબ્દુલ રશીદ શેખ, ઇરફાન યાસીનભાઇ શેખ અને ઇકબાલ યાસીનશેખ તરીકે થઈ છે. કારંજ પોલીસે આ પાંચેય નામજોગ આરોપીઓ અને અન્ય 7 અજાણ્યા શખસો સામે ગુનો નોંધી CCTV ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો