DGPની તમામ જિલ્લાના SPને સૂચના: ફાયર સેફ્ટીની મંજૂરી વગર ચાલતા ગેમઝોન બંધ કરાવે
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 24 લોકો

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના જીવનદીપ બુઝાઈ ગયા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લાના એસપીને ફાયર સેફ્ટીની મંજૂરી વગર ચાલતા ગેમઝોન બંધ કરાવા સૂચના આપી છે.
રાજ્યના પોલીસ વડાએ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને તમામ ગેમ ઝોનની તપાસણી કરવા અને ફાયર સેફ્ટી પરમિશન વિના ચાલતા ગેમ ઝોન બંધ કરાવવા સૂચના આપી છે. આ કાર્યવાહી મહાનગપાલિકાઓ તથા નગરપાલિકાઓના ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં રહીને કરવા પોલીસ મહાનિદેશક દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં ગેમ ઝોન આગ દુર્ઘટનાને પગલે આ સૂચનાઓ આપવામાં આવી છે.
હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટ જવા રવાના થયા છે. તેઓ હોસ્પિટલ-ઘટનાસ્થળની મુલાકાત લેશે.
મૃતકોના પરિવારને 4 લાખની સહાય
આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીએ પણ રાજકોટમાં લાગેલી આગને લઈ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.








