VIDEO: દેવભૂમિ દ્વારકા: સલાયાથી યમન ડ્રગ્સ મોકલવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું
દેવભૂમિ દ્વારકાની એસઓજી પોલીસે ગત એપ્રિલ મહિનામાં સલાયા દરિયાઈ માર્ગેથી યમન સુધી ગેરકાયદેસર રીતે દવાનો જથ્થો મોકલવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કરીને મોટો ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન મુંબઈ, પુણે, દુબઈ અને યમન સુધી ફેલાયેલા આ ડ્રગ્સ નેટવર્કના 7 આરોપીઓ સામે આકરો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને અંદાજે 80.77 લાખથી વધુની કિંમત ધરાવતી 9.50 લાખથી વધુ પ્રેગાબાલિન કેપ્સ્યુલનો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં 80 બોક્સના કાયદેસર બિલની આડમાં ખોટા લેબલિંગ અને બોગસ બિલિંગ કરીને વધારાના 41 બોક્સ અને ૫ કાપડના પાર્સલ છુપાવીને મોકલવામાં આવી રહ્યા હતા. જામનગર રેલવે પાર્સલ મારફતે આ ગેરકાયદેસર જથ્થો સલાયા પહોંચાડાયો હતો અને ત્યાંથી દરિયાઈ માર્ગે વિદેશ મોકલવાની ફિરાકમાં હતો, પરંતુ તે પહેલાં જ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળ ગુનો નોંધીને આંતરરાષ્ટ્રીય કનેક્શનના મૂળ સુધી પહોંચવા વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

