વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર, ગેનીબેન ઠાકોર સાંસદ બનતા બેઠક ખાલી થઇ હતી
મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બરે મતદાન થશે.

મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બરે મતદાન થશે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ વિધાનસભા બેઠક ખાલી થઇ છે.
પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે
મહારાષ્ટ્ર અને ઝારખંડ સિવાય 48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પણ બે તબક્કામાં પેટાચૂંટણી યોજાશે. 47 વિધાનસભા અને એક લોકસભા સીટ માટે 13 નવેમ્બરે મતદાન થશે. એક વિધાનસભા અને એક લોકસભા સીટ માટે 20 નવેમ્બરે મતદાન થશે. જેમાં ગુજરાતની વાવ બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે. જ્યારે ઉત્તરાખંડની 1 વિધાનસભા સીટ પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં નાંદેડ લોકસભા બેઠક પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.
સામાન્ય રીતે તો બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક કોંગ્રેસનો ગઢ મનાઈ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને હરાવ્યા હતા. પરંતુ 2024માં ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા. કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા હતા. આમ લોકસભાની ચૂંટણી જીતતા ગેનીબેને વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. પરિણામે આ બેઠક ખાલી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા 2022ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનુ સંખ્યાબળ 17 હતુ. ત્યારબાદ એક પછી એક ધારાસભ્યોના રાજીનામા પડવાને કારણે સંખ્યાબળ 13 પર પહોંચ્યું હતું. હવે બનાસકાંઠાના સાંસદ તરીકે ગેનીબેન ઠાકોર ચૂંટાતા તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા વિધાનસભામાં કોગ્રેસના માત્ર 12 જ ધારાસભ્ય બચ્યા છે. ત્યારે આજે ચૂંટણી પંચે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 13 નવેમ્બરે મતદાન થશે.








