Dang News: મોટા માળુંગાના ખેડૂતે સ્ટ્રોબેરીમાં કાઠું કાઢ્યું, 2 એકરમાંથી લેશે 20 લાખથી વધુની આવક
ગુજરાતના સાહસિક ખેડૂતો હવે ખેતી કરવામાં પાછા પડતા નથી. ઉચ્ચ અભ્યાસ કરતા યુવાનો પણ ખેતી તરફ વળ્યા છે. ખેતીને હવે નવા આધુનિક દૃષ્ટિકોણથી અપનાવી વ્યાપારિક ધોરણે ઉત્પાદન લેવા માટે સાહસિક ખેડૂતો અવનવા અખતરા કરે છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ મોટા માળુંગાના ખેડૂતે મહારાષ્ટ્રમાં મોટાપાયે થતી સ્ટ્રોબેરીની ખેતી અપનાવી છે. પરંપરાગત રીતે થતી ધાન્યની ખેતીને તિલાંજલિ આપી ઉત્તમ કમાણી કરાવી સ્ટ્રોબેરીની આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે ખેતી કરીને ઉત્તમ કમાણી કરી રહ્યા છે. આધુનિક ઢબે ખેતી માટે સરકારી સહાયનો લાભ મેળવી સ્ટ્રોબેરીની ખેતીમાં વર્ષે દહાડે 20થી 25 લાખ રૂપિયાની આવક લઈ રહ્યા છે.
ડાંગ જીલ્લાના ખેડૂતો વર્ષોથી પારંપરિક ખેતી જેવી કે, નાગલી, જુવાર, ડાંગર જેવા પાક સાથે જોડાયેલ હતા. જોકે હવેની પેઢી આ બાપ-દાદાની જૂની પારંપરિક ખેતીની સાથે આધુનિક ખેતી કરી વધારાની આવક મેળવતી થઈ છે. ડાંગ જીલ્લાના મોટામાળુંગા ખાતે પરંપરાગત ખેતી કરતા પરિવારના એક દીકરા જીગ્નેશ ભોયે એ પરંપરાગત ખેતી સાથે નવો પ્રયોગ કર્યો છે.
જીગ્નેશના જણાવ્યા મુજબ વર્ષોથી ચાલતી આ પારંપરિક ખેતીથી અમારા જીવનમાં કોઈ બદલાવ થયો ન હતો. એટલા માટે મેં ખેતીમાં કંઈક નવું કરવા માટે વિચાર્યું. ડાંગનું વાતાવરણ સ્ટ્રોબેરી પાક માટે અનુકૂળ હોય મેં અધિકારીઓ સાથે મળીને સબસિડી મેળવવાની માહિતી મેળવી. છેલ્લા ચાર પાંચ વર્ષથી હું આ આધુનિક પદ્ધતિ મુજબ સ્ટ્રોબેરી, ટામેટા અને સફેદ મુસળીની ખેતી કરી રહ્યો છું. આ વર્ષે મારી બે એકર જમીનમાં સ્ટ્રોબેરીના ૪૦,૦૦૦ છોડ લગાવ્યા છે. જેમાંથી આ સિઝનમાં મને 20થી 25 લાખ રૂપિયાની આવક થશે. સ્ટ્રોબેરીની ખેતી માટે સરકાર દ્વારા રોપા, મલ્ચિંગ અને ડ્રિપ ઈરિગેશનમાં 75 ટકા સુધીની સહાયનો લાભ મળે છે. આ સ્ટ્રોબેરીનું આહવા ઉપરાંત અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં વેચાણ થાય છે. જેનાથી ઉત્તમ આવક થઈ રહી છે.

