જૂનાગઢમાં હોળીની અનોખી ઉજવણી, વાલમ બાપાની સ્મશાન યાત્રા કાઢી વ્યસન મુક્તિનો અપાય છે સંદેશ
જૂનાગઢમાં હોળીની ઉજવણીમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી હોળીના દિવસે વાલમ

જૂનાગઢમાં હોળીની ઉજવણીમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી હોળીના દિવસે વાલમ બાપાની ઠાઠડી કાઢી સમાજને વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવે છે. આશરે 92 વર્ષથી ચાલી આવતી આ પ્રથા માત્ર જૂના જુનાગઢના ગાંધ્રપવાડા વિસ્તારમાં જ જોવા મળે છે. યુવાનોમાં વધતા જતા વ્યસનને અટકાવવા અને વ્યસનમુક્તિનો સંદેશો આપવા આ પરંપરા ચાલી રહી છે.
વાલમ બાપા નામના કાલ્પનિક પાત્ર બનાવી વ્યસનની સ્મશાન યાત્રા કાઢી ગામમાં અને શેરીઓમાં ફેરવે છે. આખી રાત જાગે છે અને સુખ દુઃખની વાતો કરી બાળકોને સમજાવે છે કે વ્યસનોથી દૂર રહેવું. જૂનાગઢની આ પરંપરા આજે પણ ઉજવાતી જોઈ યુવા પેઢીઓ અને બાળકો પણ ખુશી ખુશી જોડાય છે. હોળીના દિવસે વ્યસન મુક્તિના સંદેશ સાથે વાલમ બાપાની નનામી નીકળી હતી. જૂનાગઢ શહેરમાં હોળીના દિવસે વ્યસન મુક્તિના સંદેશા સાથે યુવાઓ દ્વારા અનોખો કાર્યક્રમ કરવામાં આવે છે.
જે અંતર્ગત વિવિધ વિસ્તારોમાં વાલમ બાપાની નનામી કાઢી યુવાઓ શહેરના માર્ગ પર ફરે છે. આ અભિયાનમાં નાના બાળકોથી લઇ સિનિયર સિટીઝનો પણ જોડાય છે. બાળકો અને યુવાઓ દ્વારા વાંસની ઠાઠડી બનાવવામાં આવે છે અને ધુમ્રપાનથી થતા નુકસાન સંદર્ભે લોકો જાગૃત બને તે માટે પ્રયાસ કરવામાં આવે છે. શહેરના વિસ્તારમાં કોણ મરી ગયું વાલમ બાપા.. કેવી રીતે બીડી પીતા.. સહિતના સૂત્રોચાર સાથે લોકોને વ્યસન ન કરવા અપીલ કરી હતી. તેમજ બાળકોમાં મૃત્યુ સમયે કેવો માહોલ હોય તેનાથી માહિતી મળે તેવો પણ એક ઉપદેશ હોય છે.






