જળસંચય જનભાગીદારી અભિયાન, સી.આર.પાટિલે કહ્યું, શરૂ થયેલા 8817 કામમાંથી 4588 થયા પૂર્ણ
જનશક્તિ થકી જળશક્તિનો સંચય કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વપ્નિલ યોજના ખૂબ ઝડપથી લોક

જનશક્તિ થકી જળશક્તિનો સંચય કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વપ્નિલ યોજના ખૂબ ઝડપથી લોક ચળવળનું રૂપ લઈ રહી છે. "જળસંચય યોજના એ માત્ર યોજના નહી પરંતુ ભાવિ પેઢી માટે આપણે કરવાનું એક પુણ્યનું કામ છે. એટલે જ જળ એ માત્ર સંશાધનનો નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ભવિષ્યનો મુદ્દો છે". આ શબ્દો સાથે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં જળસંચય માટેની જન ભાગીદારી સાથેની વિશેષ યોજના "કેચ ધ રેઇન"નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગત છઠ્ઠી સપ્ટેમ્બરે આરંભ કરાવ્યો હતો. એક જ મહિનામાં સુરતથી રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાન વેગવંતુ બની ચૂક્યુ છે.
જળસંગ્રહની ક્ષમતા વધશે
સી.આર.પાટિલે કહ્યું કે, એક જ મહિનામાં રાજ્યમાં માત્ર લોકભાગીદારી હેઠળ જળસંચય માટે 8817 કામ હાથ ધરવામાં આવ્યા અને તેમાંથી 4588થી વધુ કામ તો પૂરા પણ થઈ ચૂક્યા છે. 4229 કામ પ્રગતિ હેઠળ છે. ખૂબ નજીકના સમયમાં તે પણ પૂર્ણ થઈ જશે. તેના થકી રાજ્યમાં જળસંગ્રહની ક્ષમતા 28,823 ઘનફૂટ વધે તેવો અંદાજ છે.
ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી રહેશે હાજર
આગામી રવિવારે કેન્દ્રના જળશક્તિ મંત્રાલયના પ્રયાસ થકી દેશના પ્રમુખ રાજ્યોમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં જળસંચય માટેની જન ભાગીદારી સાથેની આ વિશેષ યોજના "કેચ ધ રેઇન" અભિયાનનો વિસ્તાર કરાશે. ઇન્ડોર સ્ટેડિયમમાં આ માટે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ અને બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
ગૃહરાજ્યોમાં કામગીરી થશે
જળસંચય માટેના અભિયાનને આગળ વધારવા માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં સુરતને કર્મભૂમિ બનાવનારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યના દ્યમીઓ જેઓ હવે સુરતમાં સ્થાયી થયા છે, તેઓ પોતાના ગૃહરાજ્યોમાં જળસંચય માટેનું વિશેષ અભિયાન "કેચ ધ રેઇન" જે લોકચેતનાનો પ્રવાહ બની રહ્યો છે, તેને આગળ વધારવામાં સામુદાયિક જવાબદારીને હાથ ઉપર લેશે.








