રાજકોટ : દુષ્કર્મ કેસમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીની મુશ્કેલીમાં વધારો
દુષ્કર્મ કેસમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા પર જીત પાબારીની મુશ્કેલીમાં વધારો થયો છે. આરોપ

દુષ્કર્મ કેસમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા પર જીત પાબારીની મુશ્કેલીમાં વધારો થયો છે. આરોપી જીત પાબારીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા હવે ગમે ત્યારે આરોપી જીત પાબારીની ધરપકડ થઇ શકે છે. જીત પાબારીની પૂર્વ મંગેતરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ નોંધાવી છે.
સગાઈ બાદ અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા : પીડિતા
રાજકોટની યુવતીનો દાવો છે કે, ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીએ પહેલાં તેની સાથે સગાઈ કરી અને સગાઈ બાદ અનેકવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતાં.
યુવતીનો દાવો છે કે, તેની સાથે ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સાથે સગાઈ કરાવવામાં આવી હતી. દોઢ વર્ષથી લગ્ન માટે ચેતેશ્વર પૂજારા માટે રાહ જોવાનું કહી રહ્યા હતાં. જીત પાબારી મારા સંપર્કમાં 23 જૂન 2014ના દિવસે આવ્યો હતો. 2021માં અમારા ગોળધાણા થયા હતાં અને 2022માં અમારી સગાઈ થઈ હતી, 2023માં લગ્નની વાત થઈ ગઈ હતી. તેમ છતાં ગત 13 નવેમ્બરે તેણે કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. પીડિતાએ આરોપ લગાવતા કહ્યું કે, જીત પાબારીએ મને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે અને સગાઈ બાદ મને માર પણ માર્યો હતો.
ચેતેશ્વર પુજારા પર લગાવ્યા હતા આરોપ
આ સિવાય પીડિતાએ ચેતેશ્વર પુજારા સામે પણ આરોપ લગાવ્યો છે. યુવતીએ ક્રિકેટર પર આરોપ લગાવતા કહ્યું કે, છેલ્લા સાત દિવસથી હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ધક્કા ખાઈ રહી છું. પરંતુ, ચેતેશ્વર પુજારા સેલિબ્રિટી હોવાના કારણે પોલીસ મારી ફરિયાદ નોંધતી નથી. તેમજ ચેતેશ્વર પૂજારા પણ મારા ઘરે આવી મારા દાદા-દાદીને પોલીસ ફરિયાદ ન કરવા બાબતે ધમકાવી ગયાં છે.






