કોંગ્રેસ નેતાઓએ પૂર્વ CM વિજય રૂપાણીની માગી માફી, જાણો શું હતો મામલો
કોંગ્રેસ નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર્ટમાં માફી માંગી લેતા બદનક્ષીના દાવાની અરજી પરત ખેંચી લીધી

કોંગ્રેસ નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર્ટમાં માફી માંગી લેતા બદનક્ષીના દાવાની અરજી પરત ખેંચી લીધી છે. કોંગ્રેસના નેતાઓએ વિજય રૂપાણીએ પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન કરોડોનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યા હોવાના કથિત આક્ષેપ કર્યા હતા. જેને લઈને વિજય રૂપાણીએ કોંગ્રેસ નેતાઓ સામે બદનક્ષીનો દાવો કર્યો હતો.
વિજય રૂપાણીની સરકારે કરોડો રૂપિયાનુ જમીન કૌંભાડ આચર્યું હોવાનું આક્ષેપ કરનારા શૈલેષ પરમાર, સી. જે. ચાવડા અને સુખરામ રાઠવાએ કોર્ટમાં બિનશરતી માફી માગી છે. કોર્ટમાં કહ્યું કે, માત્ર રાજકારણના ભાગ રૂપે આ નિવેદન કરાયું હતું. બિનશરતી માફી માગ્યા બાદ વિજય રૂપાણીએ બદનક્ષીની અરજી પાછી ખેંચી લીધી છે.
માર્ચ 2022માં કરાયો હતો કેસ
રાજકોટ નજીક સહારા હોમ કોર્પોરેશનની 111 એકર જમીનને ઝોનફેર કરવાના પ્રકરણમાં રૂ.500 કરોડનું કૌભાંડ આચરાયુ છે તેવા કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી વિરુદ્ધ આક્ષેપો કર્યા હતાં. કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા, સી.જે.ચાવડા( હાલ ભાજપમાં) અને શૈલેષ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કરોડોનું જમીન કૌભાંડ આચર્યાના આરોપ લગાવ્યા હતા. 22 ફેબ્રુઆરી 2022ના રોજ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકારોને બોલાવી આ આરોપ લગાવ્યા હતા. વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં ત્રણ નેતાઓ સામે દાવો કર્યો હતો.
આક્ષેપ કરનારા સી.જે.ચાવડા ફેબ્રુઆરી માસમાં ભાજપમાં જોડાયા હતા
પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી વિરુદ્ધ આક્ષેપ કરનારા કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.જે.ચાવડા 12 ફેબ્રુઆરીએ પંજાનો સાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો. સીજે ચાવડાને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં જોડવામાં આવ્યા હતા. ત્યારે ભાજપની ટિકિટ પરથી પેટાચૂંટણીમાં વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ફરી ધારાસભ્ય બન્યા હતા.








