Ahmedabad news: AMC ચૂંટણીને લઈ કોંગ્રેસમાં નિરસતા, નિકોલમાં ફક્ત બે લોકોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી
કોંગ્રેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવામાં કોઈને રસ

કોંગ્રેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવામાં કોઈને રસ નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે કોર્પોરેશનની ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી, ત્યારે અમદાવાદના 48 વોર્ડમાંથી કેટલાક વોર્ડમાં ખૂબ ઓછા બાયોડેટા આવ્યા છે. નિકોલ વિસ્તારમાં તો ફક્ત બે લોકોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ઘાટલોડીયા વોર્ડમાં ફક્ત 3 લોકોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. ગોતા, થલતેજ,ચાંદલોડિયા, બોડકદેવ જેવા વોર્ડમાં ફક્ત 4 લોકોએ તો પૂર્વ વિસ્તારના અમુક વોર્ડમાં 25 જેટલા આગેવાનોએ કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે.
ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી ઓછા ફોર્મ ઉત્તર પશ્ચિમ અને સૌથી વધુ ફોર્મ ઉત્તર ઝોનમાં મળ્યા છે. પશ્ચિમ ઝોનના 7 વોર્ડમાં 62 ફોર્મ, પૂર્વ ઝોનના 8 વોર્ડમાં 120, ઉત્તર ઝોન 8 વોર્ડમાં 166, દક્ષિણ ઝોન 8 વોર્ડમાં 110, ઉત્તર પશ્ચિમ ઝોન 5 વોર્ડમાં 24, દક્ષિણ પશ્ચિમ ઝોન 4 વોર્ડમાં 33 અને મધ્ય ઝોનના 6 વોર્ડમાં 87 ફોર્મ મળ્યા છે. આમ, AMCની ચૂંટણીમાં કોંગ્રેસને 192 મુરતિયાની શોધની સામે ફક્ત 602 જ બાયોડેટા મળ્યા છે.


